Shivpuri Tragic News: મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને હચમચાવી નાખતી દુર્ઘટના સામે આવી છે. અહીં બે સગી બહેનોએ પારિવારિક આઘાત અને પરસ્પરના ગાઢ લગાવના કારણે બે અલગ-અલગ જગ્યાએ પોતાના માસૂમ બાળકો સાથે કુવામાં કૂદીને જીવન ટૂંકાવી લીધું છે. આ ભયાનક કરુણાંતિકામાં ગર્ભવતી મહિલા સહિત કુલ 6 લોકોના દર્દનાક મોત થયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને સન્નાટો છવાઈ ગયો છે.
પતિના અકસ્માત બાદ અંજલિનું આત્યંતિક પગલું
આ દુર્ઘટનાની શરૂઆત બુધવારે શિવપુરીના બૈરાડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગુંગરગાંવથી થઈ હતી. અહીં 35 વર્ષીય અંજલિ રાવત નામના મહિલાએ અંદાજે દોઢ મહિના પહેલા એક માર્ગ અકસ્માતમાં ગુમાવેલા પોતાના પતિ ધરમવીર સિંહ રાવતના શોક અને ભારે માનસિક તણાવમાં આવીને આ ખૌફનાક પગલું ભર્યું હતું. અંજલિએ પહેલા પોતાની ત્રણ દીકરીઓને કુવા તરફ ધકેલી દીધી અને પોતે પોતાના 6 વર્ષના માસૂમ પુત્ર પ્રશાંતને ખોળામાં લઈને કુવામાં છલાંગ લગાવી દીધી હતી. જોકે, અંજલિની સૌથી મોટી દીકરી મોનિકાએ અદ્ભુત સૂઝબૂઝ અને હિંમત દાખવીને પોતાની તથા અન્ય બે નાની બહેનોનો જીવ બચાવી લીધો હતો અને તાત્કાલિક ઘરે દોડી જઈને પરિવારજનોને આ અંગેની જાણ કરી હતી. પરિવારજનોએ ઘટનાસ્થળે પહોંચીને અંજલિ અને પ્રશાંતને બહાર કાઢ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને બંનેના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.
બહેનના વિયોગમાં 8 મહિનાની ગર્ભવતી બહેન સીતાનો આપઘાત
આ કાળજું કંપાવનારી ઘટનાના ઘા હજુ રૂઝાયા પણ નહોતા ત્યાં બીજી એક ગંભીર દુર્ઘટના સામે આવી, જે પહેલી ઘટના સાથે જ જોડાયેલી હતી. મૃતક અંજલિની સગી બહેન 40 વર્ષીય સીતા રાવત (જેઓ 8 મહિનાથી ગર્ભવતી હતી) પોતાની બહેનના અકાળે અવસાનનો આઘાત સહન કરી શકી નહીં. બહેનના વિયોગ અને ભારે દુઃખમાં ડૂબેલી સીતા બુધવારે સાંજે પોતાના ત્રણ બાળકો - 14 વર્ષીય રાખી, 11 વર્ષીય પ્રિયંકા અને 6 વર્ષીય શ્લોક સાથે સેસાઈ ગામની સીમમાં આવેલા એક ખેતરે ગઈ હતી. સાંજે લાંબા સમય સુધી તેઓ પરત ન ફરતા પરિવારે ચિંતાતુર થઈને શોધખોળ શરૂ કરી હતી, જ્યાં એક કુવા પાસે તેમના ચંપલ અને પાણીમાં એક બાળકની લાશ નજરે પડી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે રાત્રે અંદાજે 11 વાગ્યે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને સીતા અને તેમના ત્રણેય બાળકોના શબ કુવામાંથી બહાર કાઢ્યા હતા. ગર્ભવતી હોવાના કારણે આ દુર્ઘટનામાં ગર્ભસ્થ બાળકના પણ મોત સાથે જાનહાનિનો આંકડો વધી ગયો હતો.
પરિવારનો ગાઢ સંબંધ અને પોલીસ તપાસ
બંને બહેનોના સંબંધીઓ અને જીજા હકમ સિંહના જણાવ્યા અનુસાર, બંને સગી બહેનો વચ્ચે અત્યંત ગાઢ સ્નેહ અને પારિવારિક લગાવ હતો અને તેઓ નિયમિતપણે ફોન પર વાતચીત કરતી હતી. અંજલિના મૃત્યુ બાદ સીતા તે આઘાતને બિલકુલ સહન કરી શકી નહીં અને તેણે પણ પોતાના ત્રણ માસૂમ બાળકો સાથે મોતને ભેટી જવાનો રસ્તો પસંદ કરી લીધો. હાલમાં સ્થાનિક પોલીસે બંને ઘટનાઓ સંદર્ભે અલગ-અલગ કેસ કરીને તમામ મૃતકોના શબનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને આગળની કાનૂની તપાસ શરૂ કરી દીધી છે. એક જ પરિવારે બે સગી બહેનો અને તેમના માસૂમ બાળકોને ગુમાવતા સમગ્ર પંથકમાં આ ઘટના ચર્ચાનો અને ગાઢ વેદનાનો વિષય બની ગઈ છે.
