Satyendar Jain on Oxygen Support: તિહાર જેલમાં પડીને ઘાયલ થયેલા સત્યેન્દ્ર જૈનની હાલત ખરાબ થઈ ગઈ છે. તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમની તબિયત બગડ્યા બાદ, આમ આદમી પાર્ટી (AAP) નેતાને દિલ્હી સરકારની LNJP હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. વહેલી સવારે તેમને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈનને ભૂતકાળમાં પણ કરોડરજ્જુમાં ઈજા થઈ છે અને તેઓ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ગુરુવારે તિહાર જેલના બાથરૂમમાં બેભાન થઈને પડી ગયા હતા. જ્યારે અધિકારીઓએ કહ્યું કે તે લપસીને પડી ગયો તો પાર્ટીનું કહેવું છે કે જૈન ચક્કર આવવાને કારણે પડી ગયા. આમ આદમી પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું, 'સત્યેન્દ્ર જૈનને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચક્કર આવ્યા બાદ તે તિહાર જેલના ટોયલેટમાં પડી ગયા હતા. આ પહેલા પણ એકવાર સત્યેન્દ્ર જૈન ટોયલેટમાં પડી ગયા હતા અને તેમને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. તબિયત ખરાબ હોવાના કારણે જૈનને સોમવારે સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ગયા વર્ષે મે મહિનામાં, તેઓ મંત્રી હતા ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. તાજેતરમાં, તેમની જામીન અરજીની સુનાવણી દરમિયાન, જૈનના વકીલે દાવો કર્યો હતો કે AAP નેતાનું વજન 35 કિલો ઘટી ગયું છે અને તે હાડપિંજર જેવું બની ગયું છે. સોમવારે, સફદરજંગ હોસ્પિટલમાંથી તેમની એક તસવીર સામે આવી, જ્યારે તે કરોડરજ્જુની સમસ્યાને કારણે ડૉક્ટરને મળવા ગયા હતા.