Agricultural Crisis: ભારત જેવા વિકાસશીલ દેશોમાં નાના ખેડૂતોની આજીવિકાનું સાધન એકમાત્ર ખેતી છે, જ્યારે વિકસિત દેશોમાં તેને એક બિઝનેસ તરીકે જોવામાં આવે છે. જ્યાં મોટા ખેતરો છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મોટા ખેતરો કરતાં નાના ખેતરોમાં વધુ ઉત્પાદન મળે છે. જોકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) બોમ્બે અને હૈદરાબાદ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસે ખેતરના કદ અને જમીનની ઉત્પાદકતા વચ્ચેના સંબંધમાં મોટો ફેરફાર દર્શાવ્યો છે.
સંશોધકોએ આ અભ્યાસ માટે ઇન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સેમી-એરિડ ટ્રોપિક્સ દ્વારા 1975 થી 2014 સુધીના ચાર દાયકાના ડેટાનું વિશ્લેષણ કર્યું. અભ્યાસના સહ-લેખક IIT બોમ્બેની શૈલેષ જે મહેતા સ્કૂલ ઑફ મેનેજમેન્ટના પ્રોફેસર સાર્થક ગૌરવના જણાવ્યા અનુસાર 1960 ના દાયકાથી થયેલા અભ્યાસોએ દર્શાવ્યું હતું કે નાના ખેતરો સામાન્ય રીતે મોટા ખેતરો કરતાં એકર દીઠ ઉપજની દ્રષ્ટિએ વધુ ઉત્પાદક હોય છે. જોકે તેમના અભ્યાસમાં ખેતીના ક્રાંતિના ત્રણ 'વેવ્સ' (તરંગો) જોવા મળ્યા.
પ્રોફેસર ગૌરવનો અભ્યાસ સમજાવે છે કે
- પ્રથમ વેવ (1975 થી 1984): આ ગાળામાં નાના ખેતરો ખરેખર વધુ ઉત્પાદક હતા, ખાસ કરીને ગ્રીન રિવોલ્યુશન (હરિત ક્રાંતિ)ની શરૂઆતમાં. નાના ખેડૂતો સઘન પારિવારિક શ્રમ અને મોટા જમીનધારકોની તુલનામાં જમીનના એકમ દીઠ વધુ ખાતરનો ઉપયોગ કરતા હતા.
- બીજી વેવ (2001 થી 2008): આ સમયગાળામાં ખેતરના કદ અને ઉત્પાદકતા વચ્ચેનો સંબંધ નોંધપાત્ર રીતે નબળો પડ્યો. નાના ખેડૂતોને જે ફાયદો હતો તે હવે અદૃશ્ય થઈ ગયો હતો.
- ત્રીજી વેવ (2009 થી 2014): આ તબક્કા સુધીમાં નાના અને મોટા ખેડૂત વચ્ચે કોઈ તફાવત રહ્યો ન હતો અને નાના ખેતરોનો ફાયદો સંપૂર્ણપણે દૂર થઈ ગયો હતો. આ વેવમાં ખેડૂતોએ મોનો-ક્રોપિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું અને રોકડિયા પાકના મોડેલને અપનાવ્યો, જેના કારણે તેઓ ભાવની વધઘટ માટે વધુ સંવેદનશીલ બન્યા.
ખેડૂતોની નબળાઈ અને રોજગારનો પડકાર
અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે જ્યારે ઇનપુટ્સને આઉટપુટમાં રૂપાંતરિત કરવાની વાત આવે છે ત્યારે નાના ખેડૂતો મોટા ખેડૂતો કરતાં ઓછા કાર્યક્ષમ હતા. પ્રોફેસર ગૌરવના મતે આજે ભારત વિકાસની એવી સ્થિતિએ પહોંચી ગયું છે જ્યાં 90% ખેડૂતો હજુ પણ નાના અને સીમાંત છે અને તેઓ આઉટપુટની દ્રષ્ટિએ ગેરલાભની સ્થિતિમાં છે. નીતિ ઘડનારાઓએ 1970 અને 1980ના દાયકાની જૂની નીતિઓને બદલે નાના ખેડૂતોની નબળાઈઓને ધ્યાનમાં લેવી જોઈએ.
ખેતીમાં વસ્તી વિષયક ફેરફારો
પ્રોફેસર ગૌરવે એ વાત પર પ્રકાશ પાડ્યો કે ખેતીની નીતિઓ ઘડતી વખતે વસ્તી વિષયક ફેરફારોને અવગણી શકાય નહીં. તેઓ કહે છે કે Gen Zs એટલે કે આજની નવી યુવા પેઢી ખેતીમાં રસ ધરાવતા નથી. દેશના વિવિધ ભાગોમાં ક્ષેત્રીય કાર્ય પરથી સ્પષ્ટ થાય છે કે યુવાનો ખેતીની પ્રવૃત્તિઓથી સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ થઈ ગયા છે. જેના કારણે મહારાષ્ટ્ર અથવા તમિલનાડુ જેવા રાજ્યો સિવાય ભારતમાં ખેતીમાં ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ અટકી ગઈ છે. જો ઔદ્યોગિક ઉત્પાદન વધશે નહીં તો રોજગાર સર્જનની દ્રષ્ટિએ અર્થતંત્ર માટે આ એક મોટી સમસ્યા બનશે.
નાના ખેડૂતોની ક્ષમતાને મજબૂત બનાવવી જરુરી
પ્રોફેસર ગૌરવના મતે નાના ખેડૂતોની નબળાઈઓ હોવા છતાં તેઓ ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ સ્થિરતા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. વૈકલ્પિક રસ્તો સૂચવતા પ્રોફેસર ગૌરવ ભારપૂર્વક જણાવે છે કે આગળનો રસ્તો એ છે કે યોગ્ય ટેકનોલોજી, પોસાય તેવી ક્રેડિટ અને વિશ્વસનીય વિસ્તરણ સેવાઓની ઍક્સેસ સુધારીને નાના ખેડૂતોની ક્ષમતાને મજબૂત બનાવવી. તેમના મતે સામૂહિક ખેતી જેમ કે સહકારી મોડેલ નાના ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આનાથી તેઓ સંસાધનો પૂરા પાડી શકે છે અને સારી કિંમતો માટે વાટાઘાટો કરી શકે છે.
