Lalu Prasad Yadav Family:બિહારની વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ(RJD)ની શરમજનક હાર બાદ લાલૂ પરિવારમાં ઘમાસાન સર્જાયું છે. રોહિણી આચાર્યએ પાર્ટી તથા પરિવાર સાથેનો નાતો તોડી નાંખ્યો છે.
આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રોહિણીએ જાહેરાત કરી છે. રોહિણી આચાર્ય દ્વારા પાર્ટી અને પરિવાર બન્ને છોડવાની જાહેરાત બાદ RJD કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. આ અંગે લાલૂ પરિવારમાંથી કોઈની પ્રતિક્રિયા આવી નથી.
સંજય યાદવ અને રમીઝનું નામ લીધુ
લાલૂની દીકરી રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે હું રાજકાણ છોડી રહી છું. મારા પરિવાર સાથેનો નાતો પણ તોડી રહી છું. સંજય યાદવ અને રમીઝે મને આમ જ કરવા માટે કહ્યું હતું. હું તમામ દોષ મારા માથે લઈ રહી છું.
સંજય યાદવ અને રમીઝ કોણ છે
સંજય યાદવ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને તેજસ્વી યાદવના સૌથી નજીકના સલાહકાર છે. તેઓ બિહારથી રાજ્યસભાના સાંસદ પણ છે. રોહિણી આચાર્યએ રમીઝનું નામ પણ લીધું છે. રમીઝ સુલતાન તેજસ્વી યાદવના સૌથી નજીકના સહાયકો અને સલાહકારો પૈકી એક છે.
સંજય યાદવની જેમ, તેમને તેજસ્વીના આંતરિક વર્તુળનો ભાગ માનવામાં આવે છે. તેઓ તેજસ્વી યાદવના પર્સનલ સેક્રેટરીએટ (PSD)માં કામ કરે છે અને પાર્ટીની વ્યૂહરચના, મુસ્લિમ વોટ બેંક મેનેજમેન્ટ અને ચૂંટણી પ્રચારમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
રોહિણી પર આરોપ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખરાબ પ્રદર્શન માટે રોહિણી પર દોષારોપણ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે કૌટુંબિક વિવાદ જાહેર થવાથી ચૂંટણી દરમિયાન નકારાત્મક સંદેશ ગયો હતો.
વિવાદ પછી રોહિણીને સિંગાપોરમાં પ્રચાર માટે પાછા બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેમને ફક્ત રાઘોપુરમાં પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. રોહિણી છપરામાં વિવિધ બેઠકોની મુલાકાત લેવા માંગતી હતી પરંતુ તેમને મંજૂરી આપવામાં આવી ન હતી.
રોહિણીની શુભકામનાનો તેજસ્વીએ કોઈ જવાબ આપ્યો નહીં
શુક્રવારે જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે રોહિણીએ તેજસ્વીને શુભકામના પાઠવી પરંતુ તેજસ્વીએ કોઈ જવાબ આપ્યો નહીં. રમીઝે તેજસ્વી સાથે ક્રિકેટ રમી છે. તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને બિહાર અધિકાર યાત્રા દરમિયાન તેજસ્વી સાથે જોવા મળ્યો હતો. રમીઝ સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ સાંસદનો જમાઈ છે. સંજય યાદવ રોહિણીને તેજસ્વી માટે ખતરો માને છે. તેમના સંબંધોમાં પહેલાથી જ તિરાડ હતી.
