CJP Jaipur School Clash: જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના લોકો પર થયેલા હુમલામાં રાજસ્થાનના શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું

આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે જણાવ્યું છે કે, ગામના લોકો નથી ઈચ્છતા કે તેમના બાળકો અસંસ્કારી અને અમર્યાદિત ભાષા શીખે, અને આ જ કારણે તેમણે વિરોધ કર્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 21 Aug 2026 03:56 PM (IST)Updated: Fri, 21 Aug 2026 03:56 PM (IST)
rajasthan-education-minister-madan-dilawar-cjp-school-controversy-statement
મદન દિલાવરનું નિવેદન

Rajasthan Education Minister: રાજસ્થાનના જયપુર નજીક બગરુ વિસ્તારમાં રામપુરા-કંવરપુરા ગામની સરકારી સ્કૂલ જોવા ગયેલા કોકરોચ જનતા પાર્ટીના લોકોને ગ્રામજનોએ ધક્કા મારીને કાઢી મૂકતા મામલો બિચકાયો છે. ગ્રામજનોએ કહ્યુ છે કે અમે પ્રેમથી સમજાવી પરત કર્યા બાદ આ લોકો ફરી આવ્યા હતા આથી મામલો વણસ્યો હતો. કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યું છે કે ગ્રામીણો તેઓ પર હુમલો કર્યો છે. આ ઘટના બાદ રાજકારણ ગરમ થઈ ગયું છે. આ સમગ્ર ઘટનાક્રમ અને શિક્ષણ મંત્રી મદન દિલાવરના રાજીનામાની માંગને લઈને બંને પક્ષો આમને-સામને આવી ગયા છે.

અસંસ્કારી ભાષાના વિરોધમાં ગ્રામીણોએ દોડાવ્યા: મંત્રી મદન દિલાવર

આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે જણાવ્યું છે કે, ગામના લોકો નથી ઈચ્છતા કે તેમના બાળકો અસંસ્કારી અને અમર્યાદિત ભાષા શીખે, અને આ જ કારણે તેમણે વિરોધ કર્યો છે. મંત્રીએ દાવો કર્યો કે કોકરોચ પાર્ટીના લોકોને ગામમાં પ્રવેશવા દેવામાં આવ્યા નથી અને કોંગ્રેસ-કોકરોચને મોઢું છુપાવીને ભાગવું પડ્યું છે. આ લોકો પોતાની શરમ છુપાવવા માટે જ હવે મદન દિલાવરનું રાજીનામું માંગી રહ્યા છે.

મંત્રી મદન દિલાવરે વધુમાં ઉમેર્યું કે, ગામના હોય કે શહેરના, દરેક વાલીઓ ઈચ્છે છે કે તેમના બાળકોને મૂલ્યો આધારિત અને શ્રેષ્ઠ શિક્ષણ મળે. આ દિશામાં રાજસ્થાન ઝડપથી આગળ વધી રહ્યું છે. 3 વર્ષ પહેલાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે શિક્ષણના મામલે રાજસ્થાન 14મા સ્થાને હતું, જે આજે સુધરીને 4થા સ્થાને આવી ગયું છે.

પોતાના જ લોકો પર પથ્થરમારો કરાવવાનું કાવતરું: જવાહર સિંહ બેઢમ

બીજી તરફ, મંત્રી જવાહર સિંહ બેઢમે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના કાર્યકરો પોતે સીજેપીના માસ્ક પહેરીને વિસ્તારમાં ગેરરીતિઓ અને તોફાન ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. તેઓ હતાશામાં પોતાના જ લોકો પર પથ્થર ફેંકાવી રહ્યા છે અને શાળાઓમાં સુધારાના અમારા પ્રયાસોને અવરોધવા માંગે છે.

ભેંસોના તબેલામાં ચાલે છે સ્કૂલ, 48 કલાકનું અલ્ટીમેટમ: આશુતોષ રાંકા

સામે પક્ષે, સીજેપી નેતા આશુતોષ રાંકાએ આ હુમલાને મંત્રી મદન દિલાવરના ઈશારે કરાયેલો ગણાવ્યો છે. રાંકાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, "અમે સરકારને 48 કલાકનો સમય આપી રહ્યા છીએ. આ તમામ ગુંડાઓની ધરપકડ થવી જોઈએ અને આદેશ પાછો ખેંચવો જોઈએ, નહીં તો આ આંદોલન મંત્રી મદન દિલાવરની સામે મોટું સ્વરૂપ ધારણ કરશે. અમે કોઈની ગુંડાગર્દીથી ડરવાના નથી."

શાળાની દુર્દશા અંગે સવાલો ઉઠાવતા રાંકાએ ઉમેર્યું કે, "સરકારને શરમ આવવી જોઈએ કે શાળા ભેંસોના તબેલામાં ચાલી રહી છે. હું 1 વર્ષ પહેલાં પણ આ શાળાની મુલાકાતે ગયો હતો, ત્યારે પણ તે તબેલામાં જ ચાલતી હતી અને આજે પણ સ્થિતિ એ જ છે. અમે તેની મરામત કરાવવા માંગતા હતા, પરંતુ ત્યાં ભાજપના ગુંડાઓ હાજર હતા." તેમણે આ સમગ્ર ઘટનાને રાજસ્થાનના લોકશાહી ઇતિહાસનો એક કાળો દિવસ ગણાવ્યો છે.