અમને શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા કેમ રોકવામાં આવે છે?... સંવિધાન બચાવવા રાજઘાટ પહોંચ્યા રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓ

દિલ્હીમાં વિપક્ષી સાંસદોનું સતત ત્રીજા દિવસે પ્રદર્શન. અટકાયત બાદ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓ રાજઘાટ ખાતે શાંતિપૂર્ણ ધરણા માટે રવાના.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 08 Oct 2026 05:20 PM (IST)Updated: Thu, 08 Oct 2026 05:20 PM (IST)
rahul-gandhi-opposition-leaders-protest-at-rajghat-in-delhi

March to Rajghat: દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચેનો રાજકીય તણાવ જોવા મળી રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા અને અન્ય મુદ્દાઓને લઈને વિપક્ષી સાંસદો દ્વારા સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા અટકાયત અને મુક્તિ બાદ હવે રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ રાજઘાટ પહોંચી ગયા છે.

શું છે સમગ્ર ઘટનાક્રમ?

ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ‘ઈન્ડી’ ગઠબંધનના અસંખ્ય સાંસદો જંતર-મંતર તરફ શાંતિપૂર્ણ માર્ચ કાઢી રહ્યા હતા. આ દરમિયાન દિલ્હી પોલીસે તમામ નેતાઓને રસ્તામાં જ રોકીને કસ્ટડીમાં લીધા હતા. જો કે, અંદાજે બે કલાકની અટકાયત બાદ પોલીસ દ્વારા તમામ સાંસદોને છોડી મૂકવામાં આવ્યા હતા છોડવામાં આવ્યા બાદ વિપક્ષી નેતાઓ કનૌટ પ્લેસના એક રેસ્ટોરન્ટમાં ભેગા થયા અને ત્યાંથી આગળની રણનીતિ નક્કી કરીને રાજઘાટ તરફ રવાના થયા હતા.

"અમને શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા રોકવામાં આવી રહ્યા છે" - રાહુલ ગાંધી

રાજઘાટ તરફ જતા સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે- અમે દેશના હિતમાં અને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવા માગીએ છીએ, પરંતુ સરકારી તંત્ર દ્વારા અમને વારંવાર રોકવામાં આવી રહ્યા છે. અમારા કાર્યકર્તાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે.

રાહુલ ગાંધીએ વધુમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે- લગભગ 300 સાંસદો શાંતિપૂર્ણ રીતે ધરણા કરવા માગતા હતા. પહેલા દિવસે અમને ચૂંટણી પંચની ઓફિસ પાસે રોકવામાં આવ્યા અને બીજા દિવસે જંતર-મંતર જતા રોકીને અમારા લોકોને માર મારવામાં આવ્યો. વાસ્તવિકતા એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓએ ભેગા મળીને દેશની વ્યવસ્થાને હાઈજેક કરી લીધી છે, બંધારણને નષ્ટ કરવામાં આવી રહ્યું છે અને વોટ ચોરી કરવામાં આવી રહી છે.

ગાંધી સ્મારક ખાતે શાંતિપૂર્ણ પ્રાર્થના અને ધરણા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે- અમે તમામ 'ઈન્ડી' ગઠબંધનના સાંસદો ગાંધી સ્મારક (રાજઘાટ) જઈ રહ્યા છીએ. ત્યાં અમે શાંતિપૂર્વક બેસીને માત્ર એટલી જ પ્રાર્થના કરીશું કે ભાજપ સરકાર, મોદીજી અને શાહ સાહેબને સદબુદ્ધિ પ્રાપ્ત થાય. તેઓ જે નિર્ણયો લઈ રહ્યા છે તે દેશના હિતમાં નથી. પછી ભલે તે વોટ ચોરીનો મામલો હોય, દેશમાં બેફામ વધતી મોંઘવારી હોય કે પછી બેરોજગાર યુવાનોની સમસ્યાઓ હોય.

શા માટે થઈ રહ્યું છે આ વિરોધ પ્રદર્શન?

વિપક્ષી દળો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ આંદોલન મુખ્યત્વે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ, ચૂંટણી પ્રક્રિયા અને વોટિંગ સંબંધિત વિવાદો (વોટ ચોરીના આક્ષેપો) અને દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારી જેવા સળગતા પ્રશ્નોને પગલે થઈ રહ્યાં છે.

રાજઘાટ પરિસરમાં પહેલેથી જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થઈ ગયા છે અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજઘાટ આસપાસના વિસ્તારમાં ભારે પોલીસ બળ અને સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.