Rahul Gandhi on PM Modi: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે સોશિયલ મીડિયાના માધ્યમથી વડાપ્રધાન મોદીને સવાલ કર્યો છે કે 20 હજાર કરોડ રૂપિયા કોના છે? રાહુલ ગાંધીએ ફેસબુકની મદદથી એક 59 સેકન્ડનો એક વીડિયો શેર કરતા આ સવાલ કર્યો છે. રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીના મામલે વડાપ્રધાન મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
ફેસબુક પર વીડિયો જાહેર કરી PM મોદીને પૂછ્યો સવાલ
રાહુલ ગાંધીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું- વડાપ્રધાનજી, સવાલ પૂછ્યો તેને ઘણાં દિવસો થઈ ગયા. તમારો જવાબ હજુ સુધી આવ્યો નથી, તેથી ફરીવખત પૂછી રહ્યો છું. 20,000 કરોડ રૂપિયા કોના છે? LIC, SBI, EPFOમાં જમા થયેલા લોકોના પૈસા અદાણીને કેમ આપવામાં આવી રહ્યાં છે? તમારા અને અદાણીના સંબંધ અંગે દેશને સત્ય જણાવો.
કોંગ્રેસ અને રાહુલ ગાંધી અદાણીના મામલે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ સતત પ્રહાર કરી રહ્યાં છે. ગત દિવસોમાં જ હિડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ રાહુલ ગાંધીએ સરકારને સંસદમાં ઘેરી હતી. કોંગ્રેસ અદાણી મામલે તપાસ કરાવવા માટે સંયુક્ત સંસદિય સમિતિ ગઠિત કરવાની માગ કરે છે. સંસદમાં આવતી અડચણ પાછળ કોંગ્રેસની આ માગ માનવામાં આવે છે.
કોંગ્રેસના આરોપ
કોંગ્રેસ દ્વારા એવો પણ આરોપ લગાડવામાં આવી રહ્યો છે કે અદાણીના મામલે સરકારને સવાલ પૂછવાને કારણે જ સત્તા પક્ષ દ્વારા રાહુલ ગાંધીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, અને તેને કારણે જ તેમની સંસદ સદસ્યતા ગઈ છે. 25 માર્ચે પણ રાહુલ ગાંધીએ ટ્વિટરથી પોતાનો એક વીડિયો શેર કરતા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કર્યું હતું કે- હું સત્ય બોલું છું, દેશની માટે બોલું છું અને છેલ્લા શ્વાસ સુધી સત્યના રસ્તે જ ચાલીશ. વડાપ્રધાનજી, જણાવો 20 હજાર કરોડ કોના છે. વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું- મને જીવનભર સંસદ માટે અયોગ્ય કરી દો, મને જેલમાં નાખી દો, હું મારું કામ યથાવત જ રાખીશ, હું નહીં રોકાવું. જનતા જાણે છે કે અદાણીજી ભ્રષ્ટ વ્યક્તિ છે. હવે જનતાના માઈન્ડમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે આ ભ્રષ્ટ વ્યક્તિને હિન્દુસ્તાનના વડાપ્રધાન કેમ બચાવી રહ્યાં છે?