100 FIR થશે તો પણ ડરીશ નહીં, દરેક કેસ મારા માટે મેડલ સમાન: રાહુલ ગાંધીનું મોટું નિવેદન

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર ધરણાનું એલાન કર્યું છે. જાણો રાહુલ ગાંધીના આ મોટા નિવેદનની તમામ વિગતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 07 Oct 2026 04:44 PM (IST)Updated: Wed, 07 Oct 2026 04:44 PM (IST)
rahul-gandhi-100-firs-are-medals-challenges-govt-ec

Rahul Gandhi FIR Statement: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર સામે મોરચો ખોલતા એકદમ આક્રમક તેવર અપનાવ્યા છે. ચીફ ઇલેક્ટ્રિકલ કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ અને 'વૉટ ચોરી'ના વિવાદ વચ્ચે મંગળવારે વિરોધ પ્રદર્શન બાદ, બુધવારે રાહુલ ગાંધીએ વિપક્ષી સાંસદો સાથે બેઠક કરી હતી અને દિલ્હીના જંતર-મંતર પર ધરણા યોજવાની જાહેરાત કરી હતી. જંતર-મંતર જતા પહેલા રાહુલે સરકાર અને ચૂંટણી પંચ સામે આકરા પ્રહારો કર્યા હતા.

"મારે 100 FIR જોઈએ છે, એ મારા માટે મેડલ છે"

જંતર-મંતર રવાના થતા પહેલા મીડિયા સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો કે તેઓ કોઈનાથી ડરવાના નથી. તેમણે કહ્યું હતું કે- મારા ઉપર અત્યારે 45 FIR નોંધાયેલી છે, પણ મારું લક્ષ્ય છે કે મારે 100 FIR જોઈએ છે. હું ઇચ્છું છું કે મારા પર 100 કેસ થાય, કારણ કે દરેક FIR મારા માટે એક મેડલ સમાન છે. હું આવા કેસોથી ડરવાનો નથી.

ચૂંટણી પંચ અને સરકાર સામે ગંભીર આક્ષેપો

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વિપક્ષી સાંસદો ગઈકાલે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોને મળવા માંગતા હતા, પરંતુ તેમણે વિપક્ષી નેતાઓને મળવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. દિલ્હી પોલીસે પણ તેમને રોકતા જણાવ્યું હતું કે ત્યાં વિરોધ પ્રદર્શન કરી શકાશે નહીં.

આ બાબતે રોષ વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ એલાન કર્યું કે- આજે અમે નક્કી કરેલા વિરોધ સ્થળ જંતર-મંતર પર જઈને બેસીશું અને દેશને જણાવીશું કે અમારા માટે જ્ઞાનેશ કુમાર દેશના સાચા ચૂંટણી કમિશનર નથી.

જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું જ પડશે- રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતાએ પીએમ મોદી, અમિત શાહ, મોહન ભાગવત અને જ્ઞાનેશ કુમાર પર દેશના લોકતંત્રને બરબાદ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો કે- મેં અગાઉ પણ કહ્યું હતું કે આ બાબત માટે જવાબદાર તમામ લોકો દેશદ્રોહી સમાન છે અને અમે તેમની સામે કાયદાકીય તેમજ રાજકીય કાર્યવાહી કરીશું. હું સ્પષ્ટ કહી દઉં છું કે જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું જ પડશે.

વિપક્ષની 'લંચ પૉલિટિક્સ' અને આગળની રણનીતિ

જંતર-મંતર પર ધરણા પ્રદર્શન કરતા પહેલા, INDI ગઠબંધનના મોટા નેતાઓ બુધવારે રાજધાનીના એક જાણીતા રેસ્ટોરન્ટમાં લંચ માટે એકઠા થયા હતા. વિપક્ષી સાંસદો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિમંત્રણ પર દિલ્હીના જનપથ સ્થિત 'સાગર રત્ન' રેસ્ટોરન્ટમાં મળ્યા હતા, જ્યાં આગામી દિવસોની રણનીતિ ઘડવામાં આવી હતી. લંચ બાદ મલ્લિકાર્જુન ખ઼ડગેએ મીડિયાને માહિતી આપી હતી કે તમામ વિપક્ષી નેતાઓ સંયુક્ત રીતે જંતર-મંતર પર ધરણા પર બેસશે અને લોકતંત્રની રક્ષા માટે પોતાની લડત ચાલુ રાખશે.