Punjab Karmabhumi Express Fire: અમૃતસરથી પશ્ચિમ બંગાળ જઈ રહેલી કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં આજે શુક્રવારે અચાનક આગ લાગવાની દુર્ઘટના સર્જાતા મુસાફરોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ટ્રેનના એન્જિનથી લઈને 5 મા ડબ્બા સુધી ધુમાડો નીકળતો દેખાયા બાદ રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સાવચેતીના પગલારૂપે ટ્રેનને તાત્કાલિક રાજપુરા રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.
આ બનાવ પંજાબનારાજપુરા નજીક આવેલા બસંતપુરા સ્ટેશન અને સરાય બંજારા વિસ્તાર પાસે બન્યો હતો. ટ્રેનની 4 બોગીઓ આગની ચપેટમાં આવી ગઈ અને સળગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ અને સંબંધિત કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. ટ્રેનમાં સવાર મુસાફરો વચ્ચે ધુમાડો ફેલાઈ જતા અફરાતફરી સર્જાઈ હતી.
ટ્રેનમાં આગ લાગતા અનેક મુસાફરો પોતાના સામાન સાથે ડબ્બામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. રેલવે વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર કાબુ મેળવવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગ લાગવાના વાસ્તવિક કારણો અંગે હાલ સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી. પ્રાથમિક માહિતીના આધારે શોર્ટ સર્કિટ કે ટેકનિકલ ખામી જેવા ચોક્કસ કારણની પુષ્ટિ કરી શકાઈ નથી, અને સંપૂર્ણ તપાસ બાદ જ આગનું સાચું કારણ બહાર આવશે. વધુ નુકસાન રોકવા માટે રેલવે તંત્ર દ્વારા સળગેલી 4 બોગીને ટ્રેનથી તાત્કાલિક અલગ કરી દેવામાં આવી હતી.
આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે રાહતના સમાચાર છે, પરંતુ તહેવારો પર પોતાના વતન કે ગામ જઈ રહેલા લોકોનો સામાન બોગીની સાથે જ બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી મુસાફરોને ભારે નુકસાન થયું છે.
