Parliament Winter Session: હારની હતાશા… PM મોદીના નિવેદન પર ઘમાસાણ, પ્રિયંકા ગાંધીનો સવાલ - આખરે સંસદ શા માટે છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે સંસદમાં 'ડ્રામા' નહીં પણ 'ડિલિવરી' થવી જોઈએ. પીએમ મોદીના આ નિવેદન પર હવે વિપક્ષ આક્રમક બન્યો છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Mon 01 Dec 2025 02:36 PM (IST)Updated: Mon 01 Dec 2025 02:36 PM (IST)
priyanka-gandhi-and-akhilesh-yadav-criticize-pm-modi-no-drama-remark-parliament-winter-session-647748

Parliament Winter Session: સંસદનું શિયાળુ સત્ર આજ સોમવારથી શરૂ થઈ ગયું છે. જોકે વિપક્ષના હંગામાને કારણે સંસદની કાર્યવાહીમાં વારંવાર અવરોધ પડ્યો હતો. કાર્યવાહી શરૂ થાય તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે સંસદમાં 'ડ્રામા' નહીં પણ 'ડિલિવરી' થવી જોઈએ. પીએમ મોદીના આ નિવેદન પર હવે વિપક્ષ આક્રમક બન્યો છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે મુદ્દાઓ ઉઠાવવા એ ડ્રામા નથી, પરંતુ સંસદનું કર્તવ્ય છે. વાયનાડથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે વોટર રોલના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને ગંભીર એર પોલ્યુશન જેવા જરૂરી જાહેર મુદ્દાઓને ઉઠાવવા એ જ સંસદનો મુખ્ય હેતુ છે.

મુદ્દાઓ પર વાત ન કરવી એ છે 'ડ્રામા'

પ્રિયંકા ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે સંસદ શા માટે છે? આ ડ્રામા નથી. મુદ્દાઓ પર વાત કરવી, મુદ્દા ઉઠાવવા ડ્રામા નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે 'ડ્રામા' નો અર્થ છે ચર્ચા ન થવા દેવી. તેમના મતે જનતા માટે મહત્વપૂર્ણ હોય તેવા મુદ્દાઓ પર લોકતાંત્રિક ચર્ચા ન કરવી એ ડ્રામા છે.

સમાજવાદી પાર્ટીના વડા અને લોકસભા સાંસદ અખિલેશ યાદવે પણ પીએમ મોદીના નિવેદન પર સવાલ ઉઠાવ્યો હતો. સંસદ પરિસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે બધાને ખબર છે કે ડ્રામા કોણ કરે છે. તેમણે સવાલ કર્યો કે લોકો જીવ ગુમાવી રહ્યા છે, BLOs મરી ગયા છે, શું આ ડ્રામા છે? તેમણે ભાજપ પર મતદારોને રોકવા માટે પોલીસ અને બંદૂકોનો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

પીએમ મોદી સંસદસત્ર શરુ થતાં પહેલા શું કહ્યું હતું

વડાપ્રધાને કહ્યું હતું કે બધાને વિનંતી કરીશ કે જે મુદ્દાઓ છે, તેના પર વિચારે. અહીં ડ્રામા નહીં, ડિલિવરી થવી જોઈએ. તેમણે ઉમેર્યું કે સંસદ દેશ માટે શું વિચારી રહી છે, શું કરવા માંગે છે અને શું કરવા જઈ રહી છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે એવી ટીકા પણ કરી કે દુર્ભાગ્ય એ છે કે 1-2 પક્ષો એવા છે કે જેઓ પરાજય પણ પચાવી શકતા નથી. પીએમ મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે તાજેતરની બિહાર ચૂંટણીમાં હારને કારણે તેઓ અશાંત લાગી રહ્યા છે. તેમણે વિપક્ષને વિવાદોને દૂર રાખવા અને સારી નીતિઓ તથા કાયદાઓ પસાર કરવા માટે કામ કરવા કહ્યું હતું, જેથી ચોમાસુ સત્રની બરબાદીનું પુનરાવર્તન ન થાય.