PM Modi Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા, પરંતુ નદિયા જિલ્લામાં ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીને કારણે તેમનું હેલિકોપ્ટર લેન્ડ થઈ શક્યું નહોતું. સુરક્ષા પ્રોટોકોલ અને ટેકનિકલ કારણોસર પાઇલટે કોલકાતા પરત ફરવાનો નિર્ણય લીધો હતો. આથી પીએમ મોદીએ કોલકાતા એરપોર્ટ પરથી જ તાહેરપુરની 'પરિવર્તન સંકલ્પ જનસભા'ને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરી હતી અને કાર્યક્રમ સ્થળે ન પહોંચી શકવા બદલ જનતાની માફી માંગી હતી.
બિહારની જેમ બંગાળમાં પણ 'જંગલરાજ'નો અંત આવશે
રેલીને સંબોધતા વડાપ્રધાન પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બિહાર ચૂંટણીના પરિણામોએ બંગાળમાં ભાજપની જીતના દરવાજા ખોલી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે જે રીતે બિહારની જનતાએ 'જંગલરાજ'ને નકારી કાઢ્યું છે, તે જ રીતે હવે બંગાળની જનતા પણ તૈયાર છે. પીએમ મોદીએ ઉમેર્યું કે ગંગા બિહારથી વહીને બંગાળ પહોંચે છે અને બિહારે બંગાળમાં જીતનો માર્ગ બતાવ્યો છે.
મમતા સરકાર પર આક્ષેપો
પીએમ મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કરતા સવાલ કર્યો હતો કે તે બંગાળના વિકાસમાં અવરોધ કેમ ઉભો કરી રહ્યા છે? તેમણે આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરોને TMCનું સંરક્ષણ મળી રહ્યું છે. તેમણે બંગાળની જનતાને રાજ્યના વિકાસ માટે ભાજપને એક તક આપવા વિનંતી કરી હતી.
બંગાળનો સાંસ્કૃતિક વારસો અને નવી વિકાસ યોજનાઓ
પીએમ મોદીએ બંગાળની ધરતીને વંદે માતરમ જેવા અમર ગીતો અને બંકિમ ચંદ્ર જેવા મહાન સંતોની ભૂમિ ગણાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય બંગાળના પછાત અને અંતરિયાળ વિસ્તારોમાં આધુનિક કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાનો છે. આ જનસભા પૂર્વે પીએમ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી 3200 કરોડ રૂપિયાના ખર્ચે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો.
