PM મોદીના બાળપણના મિત્ર અસગર અલી વોરાને 15 વર્ષે મળી પોતાની જમીન: દિલ્હીમાં મુલાકાત બાદ ભાજપ ધારાસભ્યએ કબજો છોડ્યો!

મંગળવારે ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ જાહેરાત કરી હતી કે તેઓ વિવાદિત જમીનનો કબજો છોડી રહ્યા છે અને તે પ્લોટ માટે મેળવેલી કન્સ્ટ્રક્શન મંજૂરી (બાંધકામ પરવાનગી) પણ સરન્ડર કરી રહ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 16 Sep 2026 01:59 PM (IST)Updated: Wed, 16 Sep 2026 01:59 PM (IST)
pm-modi-childhood-friend-asgar-ali-vora-gets-land-back-bjp-mla-narendra-mehta
પીએમ મોદી બાળપણના મિત્ર અસગર અલી વોરા

PM Modi Childhood Friend Asgar Ali Vora: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાળાના મિત્ર અસગર અલી વોરાને તેમની વિવાદિત જમીન આખરે પરત મળી ગઈ છે. મીરા રોડ ખાતે રહેતા 81 વર્ષીય અસગર અલી વોરાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને આરોપ લગાવ્યો હતો કે ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાની કન્સ્ટ્રક્શન કંપનીએ ભાયંદર સ્થિત તેમની જમીન પર ગેરકાયદે કબજો કરી લીધો છે. વડાપ્રધાન સાથેની આ મુલાકાતના માત્ર એક જ સપ્તાહમાં આ જમીન વિવાદનો ઉકેલ આવી ગયો છે.

મંગળવારે ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ જાહેરાત કરી હતી કે તેઓ વિવાદિત જમીનનો કબજો છોડી રહ્યા છે અને તે પ્લોટ માટે મેળવેલી કન્સ્ટ્રક્શન મંજૂરી (બાંધકામ પરવાનગી) પણ સરન્ડર કરી રહ્યા છે. આ ઉપરાંત મહેતાએ બુઝુર્ગ અસગર અલી વોરા સામે કરેલી પોતાની પોલીસ ફરિયાદ પણ પાછી ખેંચી લીધી છે. ઉલ્લેખનીય છે કે અસગર અલી વોરાએ ગુજરાતના વડનગરની બી એન સ્કૂલમાં નરેન્દ્ર મોદી સાથે અભ્યાસ કર્યો હતો.

PM મોદી સાથે 8 સપ્ટેમ્બરે થઈ હતી મુલાકાત

અસગર અલી વોરાએ 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને આ જમીન વિવાદમાં તેમના હસ્તક્ષેપની માંગ કરી હતી. વોરાએ જણાવ્યું હતું કે તેમણે 1989માં ભાયંદર ઈસ્ટના નવઘર વિસ્તારમાં અંદાજે 2,810 ચોરસ મીટર જમીન ખરીદી હતી. પરંતુ 2011માં તે પ્લોટ પર સ્વયં બિલ્ડર્સ અને મહેતાની સેવન-ઈલેવન કન્સ્ટ્રક્શન્સે કથિત રીતે કબજો કરી લીધો હતો. વોરા અંદાજે 15 વર્ષથી વિવિધ સરકારી અધિકારીઓ પાસે ન્યાય મેળવવા માટે દોડધામ કરી રહ્યા હતા. વડાપ્રધાન સાથેની મુલાકાતમાં તેમને હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.

મુલાકાત બાદ સરકારી તંત્ર એક્શનમાં આવ્યું

PM મોદી સાથેની મુલાકાત બાદ સરકારી અધિકારીઓએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. મંગળવારે મંત્રાલયમાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ શ્રીકર પરદેશીએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અસગર અલી વોરા, ધારાસભ્ય નરેન્દ્ર મહેતા, મીરા-ભાયંદર મ્યુનિસિપલ કમિશનર રાધા બિનૌદ શર્મા અને ટાઉન પ્લાનર પુરુષોત્તમ શિંદે હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને પત્ર સોંપીને જણાવ્યું હતું કે તેઓ વિવાદિત જમીનનો કબજો છોડી રહ્યા છે અને બાંધકામની પરવાનગી સરન્ડર કરે છે. મહેતાએ પત્રમાં દાવો કર્યો હતો કે આ જમીન તેમણે 2019માં મર્વિન ફર્નાન્ડિસ પાસેથી ખરીદી હતી.

પોલીસ ફરિયાદ પણ પાછી ખેંચાઈ

પોલીસ કમિશનરને લખેલા એક અલગ પત્રમાં ભાજપના ધારાસભ્ય મહેતાએ જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ ગઈ હોવાથી તેઓ અસગર અલી વોરા સામેની અગાઉની પોતાની ફરિયાદ પાછી ખેંચી રહ્યા છે.