42 Retired Judges Open Letter on SIR & EC: દેશમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ના રાજીનામાની માંગ, વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને 'વોટ ચોરી'ના આરોપોને લઈને ચાલી રહેલા વિપક્ષી વિરોધ પ્રદર્શન વચ્ચે ન્યાયતંત્ર સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના 42 નિવૃત્ત ન્યાયાધીશોએ સંવિધાન અને ચૂંટણી સંસ્થાઓના સમર્થનમાં દેશના નામે એક ખુલ્લો પત્ર (Open Letter) જારી કર્યો છે. આ પત્રમાં જજોએ ચૂંટણી પંચ અને અન્ય લોકતાંત્રિક સંસ્થાઓને નબળી પાડવાના પ્રયાસો સામે ગંભીર ચેતવણી ઉચ્ચારી છે.
પત્રના મુખ્ય મુદ્દાઓ અને નિવૃત્ત જજોની ચિંતા
આ કડક શબ્દોવાળા ઓપન લેટરમાં હસ્તાક્ષર કરનારાઓમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશો (જેમ કે જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ પંકજ મિત્તલ), હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને અન્ય વરિષ્ઠ ન્યાયવિદો સામેલ છે. જજોએ પોતાના પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે હાલના સમયમાં ચૂપ રહેવું એ કોઈ તટસ્થ (Neutral) વિકલ્પ નથી.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે,- અશાંતિની શરૂઆત એક પૂર્વ-આયોજિત નેરેટિવથી થાય છે. ત્યારબાદ અરાજક અને ચરમસીમાવાળા તત્વો તે ખાલી જગ્યા પર કબજો કરી લે છે. આમાંના કેટલાક તત્વો દેશની અંદરના હોય છે, તો કેટલાકને સીમા પારથી ઇશારા મળે છે.
'વોટ ચોરી' અને EVM પર ઉઠતા સવાલો સામે પ્રહાર
જજોએ ચૂંટણી પ્રક્રિયા અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર રાજકીય પક્ષો દ્વારા વારંવાર ઉઠાવવામાં આવતા સવાલો પર આકરા પ્રહારો કર્યા છે:
આરોપો અને અદાલત: પત્રમાં જણાવાયું છે કે 'વોટ ચોરી' જેવા ગંભીર આરોપો પ્રેસ કોન્ફરન્સમાં લગાવવામાં આવે છે, પરંતુ જ્યારે અદાલતો દ્વારા સત્તાવાર શપથ-પત્ર (Affidavit) માંગવામાં આવે છે, ત્યારે કોઈ પણ તે જમા કરાવતું નથી.
ચૂંટણી પરિણામોનું રાજકારણ: ચૂંટણી હાર્યા બાદ જ EVMને દોષી ઠેરવવામાં આવે છે, જ્યારે તે જ મશીનોથી જીત મળે ત્યારે કોઈ સવાલ ઉઠાવવામાં આવતો નથી.
જે પાર્ટીઓએ દાયકાઓ સુધી દેશ પર શાસન કર્યું છે, આજે તેઓ જ એ સિસ્ટમ પર સવાલ ઉઠાવી રહી છે જેણે તેમને સત્તા સોંપી હતી.
SIRનું સમર્થન
મતદાર યાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) નો બચાવ કરતા નિવૃત્ત જજોએ જણાવ્યું છે કે આ એક કાયદાકીય અને નિર્ધારિત પ્રક્રિયા છે, જેનો મુખ્ય હેદ્દેશ સંપૂર્ણપણે સ્વચ્છ, સાચી અને પારદર્શક મતદાર યાદી તૈયાર કરવાનો છે.
પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જનતાનો ભરોસો જ લોકશાહીની વાસ્તવિક મૂડી છે. જો ચૂંટણીની વિશ્વસનીયતા પર વિના કારણ સવાલો ઉઠાવવામાં આવશે, તો તેનાથી દેશમાં અશાંતિ ફેલાઈ શકે છે અને અરાજક તત્વોને બળ મળશે. સંસ્થાઓની આલોચના કરવી એ દરેક નાગરિકનો લોકતાંત્રિક અધિકાર છે, પરંતુ જાણી જોઈને તેમને નીચા દેખાડવા કે તેમના પર કીચડ ઉછાળવો યોગ્ય નથી.
શા માટે ચર્ચામાં છે આ પત્ર?
હાલમાં દિલ્હીમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને 'ઈન્ડી' ગઠબંધનના સાંસદો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIRના વિરોધમાં ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે. વિપક્ષી નેતાઓ સંસદથી લઈને રાજઘાટ સુધી માર્ચ કરી રહ્યા છે અને સરકાર પર લોકશાહીનું ગળું ઘૂંટવાનો આરોપ લગાવી રહ્યા છે. આ રાજકીય ઘમાસાણ વચ્ચે નિવૃત્ત જજોનું આ ઓપન લેટર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
