national
World Sleep Day: બેંગ્લુરુ સ્થિત સ્ટાર્ટઅપે કર્મચારીઓને વર્લ્ડ સ્લીપ ડે પર ઊંઘવા માટે રજા આપી!
World Sleep Day: શું તમને માનવામાં આવશે જો તમારી કંપની તમને એક દિવસ માટે રજા આપે અને એ પણ ખાલી સૂવા માટે? આવા વિચારો સામાન્ય કર્મચારીને સપનામાં પણ નથી આવતા. જો કે, બેંગ્લુરુની એક સ્ટાર્ટ-અપ કંપનીએ આવું જ કંઈક અનબિલીવેબલ કર્યું છે. તેમણે વર્લ્ડ સ્લીપ ડે નિમિતે પોતાના કર્મચારીઓને રજા આપી છે. કંપનીએ એમ્પ્લોઇઝને આ અંગે એક ઈમેલ દ્વારા જાણ કરી હતી, આ ઈમેલ હાલ વાયરલ થઈ રહ્યો છે.
કંપનીએ કર્મચારીઓને મોકલેલા ઈમેલનો સ્ક્રીનશૉટ શેર કર્યો અને લખ્યું, “વર્લ્ડ સ્લીપ ડેની ઉજવણીમાં, તમામ વેકફિટ (Wakefit – કંપનીનું નામ) કર્મચારીઓને 17મી માર્ચ, 2023ના રોજ આરામનો દિવસ આપવામાં આવ્યો છે. અમારી ટીમ આ રીતે લાંબા વિકેન્ડમાં સારી રીતે રિલેક્સ થઈ શકે છે. ઈમેલમાં, કંપનીએ કહ્યું કે તે તેના તમામ કર્મચારીઓ માટે 17 માર્ચની વૈકલ્પિક રજા તરીકે ઓફર કરી રહી છે. રસ ધરાવતા કર્મચારીઓ HR પોર્ટલ દ્વારા અન્ય રજાઓની જેમ રજા મેળવી શકે છે.
નીચે આપેલ સંપૂર્ણ ઈમેલ વાંચો:
અમે જાહેરાત કરતાં રોમાંચ અનુભવીએ છીએ કે વેકફિટ તેના તમામ કર્મચારીઓ માટે વૈકલ્પિક રજા તરીકે શુક્રવારે, 17મી માર્ચે આંતરરાષ્ટ્રીય સ્લીપ ડેની ઉજવણી કરશે. ઊંઘના ઉત્સાહીઓ તરીકે, અમે સ્લીપ ડેને તહેવાર ગણીએ છીએ, ખાસ કરીને જ્યારે તે શુક્રવારના દિવસે આવે છે! તમે HR પોર્ટલ દ્વારા અન્ય રજાઓની જેમ આ રજાનો લાભ લઈ શકો છો. અમારા ગ્રેટ ઈન્ડિયન સ્લીપ સ્કોરકાર્ડની 6ઠ્ઠી આવૃત્તિ 2022થી કામના કલાકો દરમિયાન નિંદ્રા અનુભવતા લોકોમાં 21% વધારો અને થાકેલા લોકોમાં 11% વધારો દર્શાવે છે. ઊંઘની અછતના વ્યાપને ધ્યાનમાં લેતા, ઊંઘની ભેટ દ્વારા સ્લીપ ડે ઉજવવા કરતાં વધુ સારી રીત કઈ છે?
સોમવારે તમને સારી રીતે આરામ કરેલો જોવાની આશા છે, ચીયર્સ!
હ્યુમન રિસોર્સ
પાવર નેપની પણ આપી છે મંજૂરી
નોંધનીય છે કે, તેના નામ પ્રમાણે, કંપની ખાતરી કરે છે કે કર્મચારીઓને સારો આરામ મળી રહ્યો છે. સ્ટાર્ટઅપે અગાઉ “રાઈટ ટુ નેપ” નામની નવી નીતિ શરૂ કરી હતી, જે કર્મચારીઓને તેમના કામના કલાકો દરમિયાન 30 મિનિટની પાવર નેપ લેવાની મંજૂરી આપે છે.