UPI ચાર્જ પર મોટો ખુલાસો, NPCIએ સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કહ્યું, ગ્રાહકો પર નહીં પડે MDR ચાર્જનો બોજ

NPCIએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે વેપારીઓ UPI MDR ચાર્જનો બોજ ગ્રાહકો પર નાખી શકતા નથી. ₹૨૦૦૦ થી વધુના P2M UPI લેણ-દેણના નિયમો પરનું લેટેસ્ટ અપડેટ જાણો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 05 Nov 2026 09:39 PM (IST)Updated: Thu, 05 Nov 2026 09:39 PM (IST)
npci-assures-no-upi-mdr-charges-on-customers-in-supreme-court

UPI MDR Charges Update: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ના UPI (Unified Payments Interface) પ્રાઇસિંગ ફ્રેમવર્કને લઈને દેશમાં એક નવી ચર્ચા શરૂ થઈ છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં 28 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર અને NPCI સહિતના પક્ષોને એક અરજી પર નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો. આ અરજીમાં ₹2,000થી વધુના કેટલાક ખાસ 'પર્સન-ટુ-મર્ચન્ટ' (P2M) વ્યવહારો પર 'મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' (MDR) લાગુ કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જો કે, અરજદારો દ્વારા આ પ્રક્રિયા પર વચગાળાની રોક (Stay) લગાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે સંશોધિત ફ્રેમવર્ક પર કોઈપણ પ્રકારની રોક લગાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

NPCIનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું: ગ્રાહકો પર MDR ચાર્જનો બોજ નહીં

આ કેસની સુનાવણી દરમિયાન 3 નવેમ્બરના રોજ NPCI દ્વારા દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI)ની બેન્ચ સમક્ષ એક મહત્વપૂર્ણ સોગંદનામું (Affidavit) રજૂ કરવામાં આવ્યું. આ સોગંદનામામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કોઈપણ UPI એપ્લિકેશન પ્રોવાઇડર અથવા મર્ચન્ટ (વેપારી) દ્વારા ડિજિટલ પેમેન્ટ કરનાર સામાન્ય ગ્રાહકો પર કોઈ 'પ્લેટફોર્મ ફી' કે વધારાનો ચાર્જ લાદવામાં આવશે નહીં. NPCI એ જણાવ્યું છે કે આ પ્રતિબંધ માત્ર એક મૌખિક આશ્વાસન નથી, પરંતુ એક કડક અને અનિવાર્ય કાનૂની નિર્દેશ છે, જેને કાનૂની કરાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. જો કોઈ બેન્ક, પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર (PSP) કે થર્ડ પાર્ટી એપ (TPAP) આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં તેમની UPI સદસ્યતા રદ કરવાનો પણ સમાવેશ થાય છે.

MDR ચાર્જ કોના પર અને કેટલા વ્યવહારો પર લાગુ થશે?

NPCIની સ્પષ્ટતા મુજબ, નવું સંશોધિત MDR ફ્રેમવર્ક તમામ વ્યવહારો પર લાગુ થતું નથી. આ ચાર્જ માત્ર એવા P2M (Person-to-Merchant) વ્યવહારોના ખૂબ જ નાના હિસ્સા (લગભગ 0.4%) પર જ લાગુ પડશે, જેની રકમ ₹2,000થી વધુ હોય.

આ બાબતે NPCI એ એવા ડરને પણ ફગાવી દીધો છે કે આનાથી વેપારીઓ ગ્રાહકો માટે ચીજવસ્તુઓની કિંમતો વધારી દેશે. કોર્પોરેશને દલીલ કરી છે કે આ ચાર્જ ખૂબ જ મર્યાદિત અને ઊંચી રકમના વ્યવહારો પર જ લાગતો હોવાથી, વેપારીઓ પાસે તમામ ગ્રાહકો માટે સામાન્ય બજાર ભાવ બદલવાનું કે મોંઘવારી વધારવાનું કોઈ વ્યાજબી કારણ નથી.

સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓ માટે રાહતના સમાચાર

આ સમગ્ર નીતિમાં સામાન્ય જનતા અને નાના વેપારીઓની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે-

P2P ટ્રાન્ઝેક્શન મફત: સામાન્ય નાગરિકો દ્વારા એકબીજાને મોકલવામાં આવતા પૈસા (Person-to-Person) અગાઉની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે.

નાના વેપારીઓને છૂટ: 'ઝીરો-MDR' ફ્રેમવર્ક હેઠળ આવતા નાના વેપારીઓ સાથેના વ્યવહારો પર પણ કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં.

આમ, સીધી રીતે કહીએ તો રોજિંદા નાના પેમેન્ટ્સ કરનાર આમ આદમી પર આ નવા ફ્રેમવર્કની કોઈ આર્થિક અસર પડશે નહીં અને UPIનો ઉપયોગ પહેલાની જેમ જ સરળ અને સુરક્ષિત રહેશે.

કોર્ટમાં કાયદાકીય પડકાર અને કાયદાકીય પૃષ્ઠભૂમિ

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી મુખ્ય અરજીમાં 'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007'ની કલમ 10Aમાં કરવામાં આવેલા સંશોધનને ચેલેન્જ કરવામાં આવ્યું હતું. આ કાનૂની સંશોધન 'ટેક્સેશન એન્ડ અધર લોઝ (અમેન્ડમેન્ટ) એક્ટ' દ્વારા અમલમાં આવ્યું હતું. અરજદારોએ આ કાયદાકીય જોગવાઈઓ ઉપરાંત નાણા મંત્રાલયના નોટિફિકેશન અને સપ્ટેમ્બરમાં જાહેર કરાયેલા NPCIના MDR ફ્રેમવર્કને રદ કરવાની માંગ કરી હતી. હાલમાં સુપ્રીમ કોર્ટે આ મામલે કોઈ સ્ટે આપ્યો નથી, પરંતુ NPCIના આ સોગંદનામાથી ડિજિટલ પેમેન્ટ કરનારા કરોડો ગ્રાહકોને મોટી કાનૂની સુરક્ષા અને રાહત મળી ગઈ છે.