હાઇવે પર 120ની સ્પીડથી દોડાવશો ગાડી તો નહીં કપાય ચલણ? જાણો કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ શું કહ્યુ નવા નિયમ વિશે

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે હાઇવે પર 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પર ઓવરસ્પીડ ચલણ નહીં કપાય. જાણો હાઇવે નિયમો, બિહાર નદી ડ્રેજિંગ અને ઇ-20 ફ્યુઅલ પરના લેટેસ્ટ અપડેટ્સ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 27 Oct 2026 10:33 PM (IST)Updated: Tue, 27 Oct 2026 11:01 PM (IST)
nitin-gadkari-no-challan-up-to-120-kmh-new-highway-rules

Nitin Gadkari Speed Limit News: કેન્દ્રીય માર્ગ વાહનવ્યવહાર અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં કોન્ફિડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના એક કાર્યક્રમ દરમિયાન દેશના હાઇવે નેટવર્ક, ટ્રાફિક નિયમો અને પર્યાવરણ લક્ષી પ્રોજેક્ટ્સને લઈને કેટલીક મોટા પાયાની જાહેરાતો કરી છે. દેશમાં ઝડપથી વિસ્તરી રહેલા એક્સપ્રેસવે નેટવર્ક વચ્ચે વાહનચાલકોને પડી રહેલી મુશ્કેલીઓ અને અન્યાયી દંડને ધ્યાનમાં રાખીને મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

120 કિમી/કલાકની ઝડપ સુધી દંડમાંથી મુક્તિ

હાલમાં દેશના ઘણા એક્સપ્રેસવે અને નેશનલ હાઇવે પર નિર્ધારિત સ્પીડ લિમિટ હોવા છતાં વાહનચાલકોને ઓવરસ્પીડિંગના ચલણ મળી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી. આ મુશ્કેલીનો અંત લાવતાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો કોઈ વાહન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતું હોય અથવા નિર્ધારિત સ્પીડ લિમિટ કરતાં 20 ટકા સુધી વધુ ઝડપે દોડતું હોય, તો પણ તેનો દંડ (ચલણ) કાપવામાં આવશે નહીં. મંત્રીએ સ્વીકાર્યું હતું કે નિયમ મર્યાદામાં ગાડી ચલાવનારા લોકોને ખોટા ચલણ મોકલવામાં આવી રહ્યા હતા, જેના પર રોક લગાવવા માટે સંબંધિત અધિકારીઓને આકરા નિર્દેશો આપી દેવાયા છે.

AI આધારિત ઓટોમેટિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ATMS)

મંત્રી ગડકરીના જણાવ્યા મુજબ, હાઇવે પર અકસ્માત માટે માત્ર સ્પીડ જ જવાબદાર નથી હોતી, પરંતુ વાહનચાલકો દ્વારા અચાનક અને અવિચારી રીતે લેન બદલવી (Lane Changing) વધુ જોખમી સાબિત થાય છે. લેન શિસ્ત (Lane Discipline) પાળવામાં આવે તે હેતુથી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત 'ઓટોમેટિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ' (ATMS) લાગુ કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

પ્રથમ તબક્કામાં દેશના 10,000 કિલોમીટરના નેશનલ હાઇવે નેટવર્ક પર આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવનારા AI કેમેરા મુખ્યત્વે આ પ્રકારની કામગીરી કરશે-

  • નિયમોનો ભંગ કરીને ખતરનાક રીતે લેન બદલતા વાહનોનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ કરવું.
  • ટ્રાફિકના પ્રવાહને કોઈ પણ અવરોધ વગર સતત ચાલુ રાખવા માટે મોનિટરિંગ કરવું.
  • અકસ્માત સંભવિત ઝોનમાં શિસ્તબદ્ધ ડ્રાઇવિંગ સુનિશ્ચિત કરવું.

બિહારની નદીઓનું ડ્રેજિંગ અને હાઇવે નિર્માણનું માસ્ટરપ્લાન

બિહારમાં દર વર્ષે આવતા ભીષણ પૂર અને તેનાથી થતી મોટી હોનારતને રોકવા માટે વાહનવ્યવહાર મંત્રાલય એક અનોખો માસ્ટરપ્લાન લઈને આવ્યું છે. આ યોજના હેઠળ કેન્દ્રીય મંત્રાલય બિહાર સરકાર સાથે એક એમઓયુ (MoU) કરશે, જેના અંતર્ગત બિહારની તમામ મુખ્ય નદીઓની ડ્રેજિંગ (કાંપ અને માટી કાઢવાની પ્રક્રિયા) કરવામાં આવશે.

મફત ડ્રેજિંગ કામગીરી: આ યોજના પાછળ બિહાર સરકારનો એક પણ રૂપિયો ખર્ચ થશે નહીં; તમામ ખર્ચ કેન્દ્રીય મંત્રાલય ભોગવશે.

માટીનો ઉપયોગ: નદીઓમાંથી નીકળતી માટી અને કાંપનો ઉપયોગ નેશનલ હાઇવેના નિર્માણ અને પુરાણ માટે કરવામાં આવશે.

બેવડો ફાયદો: નદીઓની ઊંડાઈ વધવાથી પૂરનું જોખમ ઘટશે અને સાથે સાથે હાઇવે નિર્માણ માટે મફતમાં કાચો માલ મળી રહેશે. (મંત્રીએ ઉમેર્યું હતું કે આ જ મોડેલ હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં 1,600 તળાવો ખોદીને તેની માટીનો ઉપયોગ હાઇવે પ્રોજેક્ટ્સમાં કરવામાં આવ્યો છે).

E-20 ફ્યુઅલ વિવાદ અને 'પેડ પ્રોપેગેન્ડા' પર પ્રહાર

ભારત દર વર્ષે 22 લાખ કરોડ રૂપિયાના વિદેશી કૂડ ઓઇલ અને પેટ્રો-પદાર્થોની આયાત કરે છે. આ વિદેશી હૂંડિયામણ બચાવવા માટે સરકાર બાયો-ફ્યુઅલ, બાયો-બિટુમિન અને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોના ઉપયોગ પર ભાર મૂકી રહી છે. વર્ષ 2022થી દેશમાં અત્યાર સુધીમાં આશરે 4 કરોડ કાર અને 20 કરોડ ટુ-વ્હીલર E-20 ફ્યુઅલ (20% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ) પર સફળતાપૂર્વક ચાલી રહ્યા છે.

તાજેતરમાં E-20 ફ્યુઅલથી ગાડીઓના એન્જિન ખરાબ થવાના અહેવાલો અંગે મંત્રીએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે આક્ષેપ કર્યો હતો કે ઈથેનોલ મિશ્રિત બળતણને બદનામ કરવા માટે કેટલાંક હિતેચ્છુ જૂથો દ્વારા 'પેડ પ્રોપેગેન્ડા' ચલાવવામાં આવ્યો હતો. તેમણે ખુલ્લો પડકાર આપતાં કહ્યું કે દેશમાં એક પણ એવો વાસ્તવિક વાહનચાલક સામે આવે જે સાબિત કરી શકે કે E-20 ઈંધણના કારણે તેની ગાડીનું એન્જિન ખરાબ થયું હોય.