Nitin Gadkari Defamation Deepfake Social Media Case: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સરકારની E20 ઈથેનોલ-બ્લેન્ડેડ ઈંધણ નીતિને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી બદનક્ષીભરી પોસ્ટ્સ અને ડીપફેક્સ વિરુદ્ધ સખત વલણ અપનાવ્યું છે. આ સંદર્ભે તેમણે બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, ભાજપના જ્યેષ્ઠ નેતા નીતિન ગડકરીએ આ પ્રકારની ભ્રામક સામગ્રી ફેલાવવા બદલ મેટા, એક્સ (ટ્વિટર), ગૂગલ અને અન્ય પ્લેટફોર્મ્સ સામે સિવિલ દાવો દાખલ કરવાની પરવાનગી માંગી હતી, જેને હાઈકોર્ટે મંજૂર કરી દીધી છે.
ગડકરીના ગંભીર આરોપો
નીતિન ગડકરીએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે સોશિયલ મીડિયા પર કેટલાક તત્વો દ્વારા એવો ખોટો અને ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે તેઓ અને તેમનો પરિવાર E20 ઈથેનોલ નીતિમાંથી અંગત નફો રળી રહ્યા છે. અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પોલિસી સંપૂર્ણપણે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા સંચાલિત થાય છે અને તેને નીતિન ગડકરી કે તેમના પરિવારના અંગત સ્વાર્થ સાથે કોઈ લેવાદેવા નથી. સોશિયલ મીડિયા પર ડીપફેક અને બનાવટી વિડિયોઝ દ્વારા તેમની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
E20 નીતિ અંગેનો વિવાદ અને વાહનચાલકોની ચિંતા
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ઇંધણની આયાત ઘટાડવા અને વાહનોના ઉત્સર્જનમાં ઘટાડો કરવાના હેતુથી પેટ્રોલમાં 20% ઈથેનોલ મિશ્ર કરવાનો (E20) આદેશ આપ્યો છે. જોકે, આ નીતિ સામે કેટલાક વાહન માલિકોએ ખાસ કરીને જૂના વાહનોના એન્જિનને નુકસાન થવાની ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર આ મુદ્દે ભારે બહસ ચાલી રહી છે.
ટીકાકારોને નીતિન ગડકરીનો ખુલ્લો પડકાર
ઈથેનોલ-બ્લેન્ડિંગ પ્રોગ્રામના મજબૂત સમર્થક એવા નીતિન ગડકરીએ ટીકાકારોને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "E20 પેટ્રોલના ઉપયોગથી દેશમાં એક પણ કારમાં મુશ્કેલી આવી હોય તેવો કિસ્સો નોંધાયો નથી. જો કોઈ એવું વાહન હોય તો તેનું નામ જણાવો." તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે દેશહિતમાં લાવવામાં આવેલી આ નીતિ પર ખોટી અફવાઓ ફેલાવીને જનતાને ગુમરાહ કરવામાં આવી રહી છે. હવે કોર્ટના આંકરા વલણ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી આવી સામગ્રી હટાવવાની કામગીરી ઝડપી બનશે.
