New Parliament Building Inauguration: નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. બંધારણના અનુચ્છેદ 79 મુજબ રાષ્ટ્રપતિ પણ સંસદનો આવશ્યક ભાગ છે. તેમની પાસેથી ઉદ્ઘાટન ન કરવાનો લોકસભા સચિવાલય દ્વારા લેવાયેલો નિર્ણય ખોટો છે.
અરજદારનું નામ સીઆર જયાસુકિન છે. વ્યવસાયે વકીલ જયાસુકિન તમિલનાડુના છે. તે સતત કંઈકને કંઈક પીઆઈએલ ફાઇલ કરતા રહે છે. તેમની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દેશના બંધારણીય વડા હોવાના કારણે રાષ્ટ્રપતિ જ વડાપ્રધાનની નિમણૂક કરે છે. તમામ મોટા નિર્ણયો પણ રાષ્ટ્રપતિના નામે જ લેવામાં આવે છે.
અરજીમાં શું દલીલો કરવામાં આવી છે?
અરજીમાં કહેવામાં આવ્યું છે કે કલમ 85 હેઠળ માત્ર રાષ્ટ્રપતિ જ સંસદનું સત્ર બોલાવે છે. કલમ 87 હેઠળ, તેમનું સંસદમાં એક સંબોધન હોય છે, જેમાં તેઓ બંને ગૃહોને સંબોધિત કરે છે. સંસદ દ્વારા પસાર કરાયેલા તમામ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી પછી જ કાયદા બની જાય છે. તેથી સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન ખુદ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ.
અરજદારે કહ્યું છે કે, લોકસભા સચિવાલય દ્વારા 18 મેના રોજ સંસદભવનના ઉદ્ઘાટન માટે આપવામાં આવેલ આમંત્રણ પત્ર ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપવો જોઈએ કે ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, નવા ભવનનું ઉદ્ઘાટન 28 મેના રોજ થવાનું છે. સુપ્રીમ કોર્ટમાં હાલમાં વેકેશન બેન્ચ બેઠી છે. આવી સ્થિતિમાં, અરજદારો આવતીકાલે એટલે કે 26 મેના રોજ ત્યાં તેમના વિચારો રજૂ કરવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ સુપ્રીમ કોર્ટ આવા વહીવટી નિર્ણયમાં દખલગીરી કરે તે બહુ જ દુર્લભ છે.
'એક માણસનો ઘમંડ…'
ગુરુવાર, 25 મેના રોજ આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશે પીએમ મોદી (PM Modi)ની ટીકા કરતા કહ્યું હતું કે એક માણસના ઘમંડ અને સ્વ-પ્રમોશનની ઇચ્છાને કારણે દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ દ્વારા સંસદનું ઉદ્ઘાટન કરવાનું ગૌરવ છીનવી લેવામાં આવ્યું છે.