New Delhi Opposition Protest: વોટર લિસ્ટમાં કથિત ગડબડી અને વિવાદિત ફેરફારને લઈને વિપક્ષી દળોએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. રાજીનામાની માગ સાથે ચૂંટણી પંચની ઓફિસ તરફ માર્ચ કાઢી રહેલા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ સહિતના વિપક્ષી નેતાઓએ ધરણા પર બેઠા છે.
ચૂંટણી પંચની ઓફિસ તરફ કૂચ, રાહુલ-પ્રિયંકાના ધરણા
વોટર લિસ્ટમાં કથિત ગડબડ અને ફેરફારોને લઈને તમામ વિપક્ષી દળોએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. વિપક્ષી નેતાઓ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ચૂંટણી પંચની ઓફિસ તરફ કૂચ કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રસ્તા પર ધરણા પર બેસી ગયા છે. આ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને મધ્ય દિલ્હીના પ્રમુખ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
વિપક્ષી દળોના નેતાઓ વોટર લિસ્ટમાં કરવામાં આવેલા વિવાદિત ફેરફારોને કારણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યા છે. નીતિ આયોગની ઓફીસ સામે સુરક્ષાકર્મીઓએ ચૂંટણી પંચ તરફ આગળ વધી રહેલા INDIA ગઠબંધનની કૂચને રોકી દીધી હતી. આ દરમિયાન સાંસદોએ જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી.
પોલીસે બેરીકેડ લગાવી કૂચ રોકી, વોટ ચોરના નારા લાગ્યા
ચૂંટણી પંચના મુખ્યાલય તરફ જઈ રહેલી વિપક્ષની કૂચને પોલીસે બેરીકેડ લગાવીને રોકી દીધી હતી. આ જ જગ્યાએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ધરણા પર બેસી ગયા હતા. ત્યારબાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ ત્યાં પહોંચ્યા હતા. વિપક્ષી સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ "વોટ ચોર" જેવા નારા પણ લગાવ્યા હતા.
INDIA ગઠબંધનના આ વિરોધમાં વિપક્ષી સાંસદોએ RSS નો યુનિફોર્મ પહેરેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કટઆઉટ પણ હાથમાં લીધા હતા. કોંગ્રેસ સાંસદ પવન ખેડાએ કહ્યું કે, "અમે જ્ઞાનેશ કુમાર પર ક્યારેય ભરોસો નહોતો કર્યો, પરંતુ હવે અમને ખાતરી થઈ ગઈ છે કે તેઓ ભરોસાપાત્ર વ્યક્તિ નથી."
સમાજવાદી પાર્ટી સાંસદ રામગોપાલ યાદવે કહ્યું, "આનાથી વધુ મહત્વનું કંઈ નથી. જો લોકોના વોટ ભૂંસી નાખવામાં આવે અને મોટા પાયે વોટ કાઢીને સત્તા હડપ કરવામાં આવે, જેવું બંગાળમાં થયું, તો લોકશાહીનો શો મતલબ રહી જાય છે? જો આની સામે કોઈ વિરોધ નહીં થાય તો બાકીના તમામ વિરોધ નિરર્થક બની જાય છે."
દિલ્હીમાં ભારે પોલીસ બંદોબસ્ત અને કડક સુરક્ષા ગોઠવાઈ
વિરોધ પ્રદર્શનને પગલે જંતર-મંતર અને તેની આસપાસ મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચની ઓફિસ બહાર અને આસપાસના અનેક વિસ્તારોમાં બેરીકેડ લગાવી દેવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની ગડબડ કે કાયદો-વ્યવસ્થાની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ આવવા-જવા વાળા લોકો અને વાહન પર ચાંપતી નજર રાખી રહી છે. પોલીસે સુરક્ષા દળોને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ રહેવા નિર્દેશ આપ્યા છે.
