6000 કરોડના મહાદેવ એપ કૌભાંડનો કિંગપિન સૌરભ ચંદ્રાકર સિકંજામાં, ઓમાનથી સીધો ભારત લાવવામાં આવ્યો!

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 01 Nov 2026 08:45 PM (IST)Updated: Sun, 01 Nov 2026 08:45 PM (IST)
mahadev-app-kingpin-saurabh-chandrakar-extradited-to-india

Mahadev App Kingpin Saurabh Chandrakar Extradited: હજારો કરોડ રૂપિયાના કુખ્યાત મહાદેવ ઓનલાઈન બુક (Mahadev Online Book) સટ્ટાબાજી કૌભાંડમાં ભારતીય તપાસ એજન્સીઓને સૌથી મોટી સફળતા મળી છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રાકરને ખાડી દેશ ઓમાનથી ભારત લાવવામાં (પ્રત્યાર્પણ કરવામાં) આવ્યો છે.

ઓમાનમાં કેવી રીતે પકડાયો?

સૌરભ ચંદ્રાકર લાંબા સમયથી દુબઈ અને અન્ય ખાડી દેશોમાં છુપાઈને બેઠો હતો અને ત્યાંથી જ આખું ગેરકાયદે સેટઅપ ચલાવતો હતો. ભારતીય એજન્સીઓ (CBI અને ED) દ્વારા ઈન્ટરપોલ (Interpol)ની મદદથી તેની સામે 'રેડ કોર્નર નોટિસ' જારી કરવામાં આવી હતી. થોડા મહિના પહેલા ઓમાનની સુરક્ષા એજન્સીઓએ તેને કસ્ટડીમાં લીધો હતો. ત્યારથી ભારતીય અધિકારીઓ સતત કાનૂની પ્રક્રિયા (Legal Extradition Process) પૂરી કરવામાં લાગેલા હતા, જે હવે સફળ થઈ છે.

₹6000 કરોડથી વધુનું મલ્ટી-નેશનલ બેટિંગ નેટવર્ક

સૌરભ ચંદ્રાકર અને તેના સાથી રવિ ઉપ્પલે મળીને દુબઈથી મહાદેવ એપનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. આ એપ દ્વારા ક્રિકેટ, ફૂટબોલ અને ચૂંટણી જેવા વિષયો પર ગેરકાયદેસર સટ્ટો રમાડવામાં આવતો હતો. આ કૌભાંડના તાર દેશ-વિદેશના અનેક મોટા બુકીઓ, રાજકારણીઓ અને બોલિવૂડ સેલેબ્રિટીઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. અગાઉ EDએ અનેક બોલિવૂડ કલાકારોની પણ પૂછપરછ કરી હતી જેમણે આ એપની પાર્ટીઓ કે પ્રમોશનમાં ભાગ લીધો હતો.

હવે આગળ શું થશે?

ભારતમાં આવ્યા બાદ CBI અને ED સૌરભ ચંદ્રાકરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે. તેની કડક પૂછપરછથી એ વાતનો ખુલાસો થશે કે-

  • આ નેટવર્કના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે?
  • કયા મોટા માથા કે રાજકીય રક્ષકો તેને મદદ કરી રહ્યા હતા?
  • વિદેશોમાં વ્હાઈટ મનીમાં ફેરવેલા કાળા નાણાં (Hawala Money) ક્યાં-ક્યાં રોકવામાં આવ્યા છે?