લખનઉમાં ત્રિપલ મર્ડરથી સન્નાટો; પાર્કિંગ અને ચબૂતરાના વિવાદમાં મર્ચન્ટ નેવીના પૂર્વ ઓફિસરે 3 લોકોને ગોળી મારી હત્યા કરી

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 27 Oct 2026 08:13 PM (IST)Updated: Tue, 27 Oct 2026 08:13 PM (IST)
lucknow-triple-murder-exofficer-kills-3-over-parking-dispute

Lucknow Murder Inside Story: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના સઆદતગંજ સ્થિત નૌબસ્તા (બ્રાહ્મણી ટોલા) વિસ્તારમાં પાર્કિંગ અને ચબૂતરો બનાવવાની બાબતે થયેલા વિવાદમાં દિનદહાડે ખૂની ખેલ ખેલાયો હતો. અહીં પડોશમાં રહેતા મર્ચન્ટ નેવીના પૂર્વ અધિકારી ઋષભ શુક્લાએ પિસ્તોલ વડે આડેધડ ફાઈરિંગ કરીને એક જ પરિવારના 3 સભ્યોની નૃશંસ હત્યા કરી દીધી હતી. આ સનસનાટીભર્યા હત્યાકાંડ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને દહેશતનો માહોલ છવાઈ ગયો છે.

લગ્ન પહેલા જ પરિવારમાં માતમ

આ ગોળીબારની ઘટનામાં 65 વર્ષીય શિવાજી તિવારી, તેમના 55 વર્ષીય ભાઈ શંભુ (શિવેન્દ્ર) તિવારી અને શિવાજીના પુત્ર સુયશ તિવારીનું મોત નિપજ્યું હતું. મૃતક સુયશ તિવારીના લગ્ન આગામી 5 ડિસેમ્બરના રોજ યોજાવાના હતા અને પરિવારમાં લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. લગ્નના ખુશીના માહોલ વચ્ચે જ એકસાથે 3 લોકોના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

હત્યા બાદ પિસ્તોલ લઈને મૃતદેહ પાસે બેસી રહ્યો આરોપી

સાક્ષીઓના જણાવ્યા અનુસાર, ઘાતકી ફાઈરિંગ કર્યા બાદ પણ આરોપી ઋષભ શુક્લાનો ગુસ્સો શાંત થયો ન હતો. તે એક હાથમાં પિસ્તોલ અને બીજા હાથમાં મેગેઝીન લઈને પોતાના ઘરની બહાર મૃતદેહો પાસે જ બેસી રહ્યો હતો. તે આસપાસના લોકોને ખૂંખાર નજરે ઘૂરીને ધમકાવતો હતો જેથી કોઈ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે મદદ કરવા આગળ ન આવી શકે. દહેશતના કારણે સ્થાનિક લોકો તરત જ મદદ માટે આગળ વધી શક્યા ન હતા.

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?

સ્થાનિક લોકો અને સાક્ષી જિતેન્દ્ર કશ્યપના જણાવ્યા મુજબ, સવારે ચબૂતરાનું કામ શરૂ કરતી વખતે ગાડી હટાવવા બાબતે ઋષભ શુક્લાએ ગાળાગાળી કરી હતી. વિવાદ વધતાં ઋષભ પિસ્તોલ કાઢી લાવ્યો હતો. તેને રોકવા માટે શિવાજી, શંભુ અને સુયશે તેને પકડી લીધો હતો, પરંતુ આ દરમિયાન ઋષભના પિતા રાજેશ શુક્લાએ સુયશના માથા પર લાકડી મારી દીધી હતી. પકડ છૂટી જતાં જ ઋષભે તાબડતોડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઋષભને રોકવા વચ્ચે પડેલા જિતેન્દ્ર પર પણ તેણે 2 રાઉન્ડ ફાઈરિંગ કર્યું હતું, જેમાં તે બાલ-બાલ બચ્યો હતો.

પોલીસ ઈન્સ્પેક્ટર અને ચોકી ઈન્ચાર્જ સસ્પેન્ડ

ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર તરુણ ગાબા, જેસીપી ક્રાઈમ અને ડીસીપી પશ્ચિમ જિતેન્દ્ર શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ કમિશનરે બેદરકારી બદલ સઆદતગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી સંતોષ કુમાર આર્ય અને કાશ્મીરી મોહલ્લા ચોકી ઈન્ચાર્જ અજય કુમાર ચૌરસીયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ કેસમાં 8 લોકો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી ઋષભ શુક્લાની અટકાયત કરવામાં આવી છે.

ઘરની અંદર કચરાનો ઢગલો અને પરિજનોની માંગ

પોલીસ ટીમે જ્યારે આરોપી ઋષભના ઘરની અંદર તપાસ કરી ત્યારે ચારેય તરફ ગંદકી અને કચરાનો અંબાર જોવા મળ્યો હતો. બીજી તરફ, પોસ્ટમોર્ટમ હાઉસ પર એકઠા થયેલા પરિજનો અને સ્થાનિકોએ આરોપીને ફાંસીની સજા આપવાની અને તેના ઘર પર બુલડોઝર ચલાવવાની માંગ કરી હતી. ઘટના બાદ વિસ્તારમાં તણાવને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.