રાજકારણમાં ભાષાનું હલકું સ્તર? પીએમ મોદી પર ખડગેની ટિપ્પણીથી ખળભળાટ, ભાજપે કહ્યું- આ ગુંડા-મવાલીઓની ભાષા છે

પટનામાં પીએમ મોદી પર મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું. ભાજપે આકરી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસની કાર્યશૈલીને માફિયા પ્રવૃત્તિ સાથે સરખાવી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 25 Oct 2026 07:41 PM (IST)Updated: Sun, 25 Oct 2026 07:50 PM (IST)
kharges-controversial-pm-modi-remark-sparks-bjp-outrage

Kharge statement PM Modi: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા બિહારની રાજધાની પટનામાં આપેલા એક નિવેદનને કારણે દેશના રાજકારણમાં નવો વિવાદ ઊભો થયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખડગેએ કરેલી ટિપ્પણી બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) એ અત્યંત તીખી પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ પર કડાકાભડકા જેવા આક્ષેપો કર્યા છે.

પટનાના કાર્યક્રમમાં શું બન્યું હતું?

બિહારના પટનામાં ડૉ. શ્રીકૃષ્ણ સિંહની 139મી જયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મંચ પરથી સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન કાર્યક્રમમાં હાજર એક વ્યક્તિએ મોટેથી સૂત્રોચ્ચાર કરતાં કહ્યું કે- પીએમ મોદી ક્યાંય નહીં જાય.

આ સાંભળીને ખડગેએ પિત્તો ગુમાવ્યો હતો અને જાહેરમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ખડગેના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હોબાળો મચી ગયો હતો અને સોશિયલ મીડિયા પર પણ આ વાત ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.

 

ભાજપનો પલટવાર: "ગુંડા-મવાલીઓની ભાષા બોલે છે કોંગ્રેસ અધ્યક્ષ"

ખડગેના આ નિવેદન સામે આવ્યા બાદ ભાજપે પોતાના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ X પર કોંગ્રેસ અને ખડગે સામે આકરો પ્રહાર કર્યો હતો.

ભાજપે નિવેદન આપતાં કહ્યું કે- એક સમયે જે ભાષાનો ઉપયોગ ગુંડા અને મવાલીઓ કરતા હતા, આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખુદ એ જ હલકી ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે. આ તેમની સત્તા ગુમાવવાની અને નિરાશાની ભાષા છે.

રાહુલ ગાંધી અને કાર્યશૈલી પર ભાજપના ગંભીર આક્ષેપ

ભાજપે માત્ર ખડગે પર જ નહીં પરંતુ કોંગ્રેસના 'યુવરાજ' રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. ભાજપે ઉમેર્યું કે- પોતાની નિષ્ફળતાની ખીજમાં કોંગ્રેસના યુવરાજ ક્યારેક રોડ પર મહિલા પોલીસકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરે છે, તો ક્યારેક પોતાના જ પક્ષના નેતાઓને ધક્કામુક્કી કરે છે. કોંગ્રેસની આખી કાર્યશૈલી હવે માફિયા પ્રવૃત્તિ જેવી થઈ ગઈ છે. આ હવે કોઈ રાજકીય પક્ષ નથી રહ્યો, પરંતુ એક માફિયા ગેંગ જેવો પ્રતિત થાય છે.

"દેશની જનતા તમારું સપનું ક્યારેય પૂરું નહીં થવા દે"

ભાજપે ભૂતકાળની કોંગ્રેસ સરકારને યાદ અપાવતા વધુમાં કહ્યું કે- કોંગ્રેસ અધ્યક્ષ ખડગે જે સપનું જોઈ રહ્યા છે, તેને પૂરું કરવા માટે તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષાએ 10 વર્ષ સુધી દરેક પ્રકારના હથકંડા અપનાવ્યા હતા, છતાં દેશની જનતાએ કોંગ્રેસને સત્તામાંથી બહાર ફેંકી દીધી હતી.

વર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરતા ભાજપે કહ્યું- આજે તેમનો પુત્ર એ જ સત્તાનું સપનું પૂરું કરવા માટે ક્યારેક વિયેતનામ તો ક્યારેક કોલંબિયાના દર-દર ભટકી રહ્યો છે. દેશની જનતા કોંગ્રેસના આ અહંકારી અને મર્યાદાહીન સપનાને ક્યારેય પૂરું થવા દેશે નહીં.

રાજકીય ગરમાવો વધ્યો

ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પક્ષો વચ્ચેની ભાષાનું સ્તર સતત નીચું જઈ રહ્યું હોવાના આક્ષેપ-પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. પીએમ મોદી પર ખડગેના આ પ્રકારના શબ્દપ્રયોગ બાદ હવે આ વિવાદ વધુ ઉગ્ર બને તેવા સંકેતો મળી રહ્યા છે.