Karnataka Belagavi Fridge Blast: કર્ણાટકના બેલગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના ચાવટ ગલી વિસ્તારમાં આવેલા એક ઘરમાં સોમવારે મોડી રાત્રે અચાનક ફ્રિજ ફાટવાના કારણે ભીષણ આગ લાગી હતી. ફ્રિજમાં થયેલા શોર્ટ સરકિટ કે ગેસ લીકેજના વિસ્ફોટ બાદ લાગેલી આગે જોતજોતામાં સમગ્ર ઘરને લપેટમાં લઈ લીધું હતું. આ દુઃખદ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યા છે, જ્યારે પરિવારના અન્ય બે સભ્યો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, સોમવારે મોડી રાત્રે જ્યારે પરિવારના તમામ સભ્યો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે જ ઘરમાં મૂકેલું રેફ્રિજરેટર ધડાકા ભેર ફાટ્યું હતું. આગ એટલી ઝડપથી આખા ઘરમાં ફેલાઈ ગઈ કે ઘરમાં ઊંઘી રહેલા લોકોને બહાર નીકળવાની કે પોતાનો જીવ બચાવવાની તક પણ મળી નહોતી. આગના ધુમાડા અને જ્વાળાઓ વચ્ચે આખો પરિવાર ગૂંગળાઈ ગયો હતો અને ઝપેટમાં આવી ગયો હતો.
મૃતકો અને ઈજાગ્રસ્તોની વિગતો
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓની ઓળખ 65 વર્ષીય ગજાનન ધામોને, 21 વર્ષીય રોશન ધામોને, 45 વર્ષીય શારદા ધામોને અને 50 વર્ષીય ભારતી ધામોને તરીકે થઈ છે. જ્યારે બીજી તરફ 28 વર્ષીય પ્રિયા ધામોને અને 25 વર્ષીય ગંગા ધામોને ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
ગણેશોત્સવ વચ્ચે પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
અહેવાલો અનુસાર, ધામોને પરિવાર મજૂરીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. સમગ્ર દેશમાં અને કર્ણાટકમાં જ્યારે હર્ષોલ્લાસ સાથે ગણેશોત્સવની ઉજવણી થઈ રહી હતી, ત્યારે જ આ ગરીબ પરિવારની ખુશીઓ મિનિટોમાં જ શોકમાં ફેરવાઈ ગઈ હતી. એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોતથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ આ મામલે ગુનો નોંધીને FSL ની મદદથી આગ લાગવાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ ચલાવી રહી છે.
