New Delhi News: સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ સંજય કિશન કૌલે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચૂડની ન્યાયિક નિમણૂકો સાથે જોડાયેલી કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવતા આરોપ લગાવ્યો કે, પૂર્વ CJI ચંદ્રચૂડ સરકાર પ્રત્યે વધુ પડતા નરમ કે ઝૂકેલા હતા. તેમણે કોલેજિયમની ઔપચારિક ચર્ચા પહેલા ઉમેદવારો અંગે કારોબારી (સરકાર) સાથે પૂર્વ-મંજૂરી (pre-approval) કે સંમતિ માંગવાની પ્રથા સામે ભારે ચિંતા વ્યક્ત કરી છે.
જસ્ટિસ કૌલે પોતાના આવનાર સંસ્મરણ 'વિધાઉટ ફિયર ઓર ફેવર' (Without Fear or Favour) માં સુપ્રીમ કોર્ટમાં 6 ખાલી પદોને ભરવા માટે યોજાયેલી કોલેજિયમ બેઠકનો ખાસ ઉલ્લેખ કર્યો છે. આ સંસ્મરણમાં જસ્ટિસ કૌલે જણાવ્યું કે, તે બેઠકમાં 5 નામો પર અગાઉથી જ સહમતિ બની ચૂકી હતી. પરંતુ જસ્ટિસ ચંદ્રચુડે છેલ્લી ક્ષણે 6 ઠ્ઠા ઉમેદવારનું નામ સૂચવ્યું અને આ નિમણૂક અંગે સરકારનો અભિપ્રાય લેવા અંગે વિચાર્યું હતું.
જસ્ટિસ કૌલે પુસ્તકમાં લખ્યું છે કે, મુખ્ય ન્યાયાધીશ તેમને એક અલગ રૂમમાં લઈ ગયા અને વિચારવા લાગ્યા કે શું તેમણે સરકારનો અભિપ્રાય જાણવા માટે ફોન કરવો જોઈએ. કૌલે સ્પષ્ટ કર્યું કે, તેમને તે 6 ઠ્ઠું નામ મંજૂર નહોતું અને ભવિષ્યમાં પણ મંજૂર થશે નહીં. ન્યાયપાલિકાની સ્વતંત્રતાની રક્ષા માટે કોલેજિયમે કારોબારીના દબાણનો વિરોધ કરવો જોઈએ તેવો ભાર તેમણે મૂક્યો હતો.
ડિસેમ્બર 2023 માં નિવૃત્ત થયેલા જસ્ટિસ કૌલે નોંધ્યું છે કે કારોબારી સાથે વ્યવહાર કરવાની પદ્ધતિ અંગેના મતભેદોના કારણે જસ્ટિસ ચંદ્રચુડ સાથેના તેમના સંબંધોમાં તણાવ ઊભો થયો હતો. જસ્ટિસ કૌલ નિવૃત્તિ સુધી જસ્ટિસ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળા કોલેજિયમમાં સામેલ હતા. કૌલે લખ્યું કે 2 વર્ષનો કાર્યકાળ ધરાવતા મુખ્ય ન્યાયાધીશ જો આવી પ્રથા અપનાવે તો તેમના પછી આવનારા અને ટૂંકો કાર્યકાળ ધરાવતા મુખ્ય ન્યાયાધીશો માટે કારોબારીના દબાણ સામે ટકી રહેવું મુશ્કેલ બની જશે.
બીજી તરફ, આ ખુલાસા બાદ કોંગ્રેસ પક્ષે પણ મોદી સરકારના કાર્યકાળમાં ન્યાયપાલિકાની સ્વતંત્રતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસના સંચાર વિભાગના મહાસચિવ જયરામ રમેશે જસ્ટિસ કૌલના સંસ્મરણ 'વિધાઉટ ફિયર ઓર ફેવર' નો હવાલો આપતી મીડિયા રિપોર્ટ શેર કરતા જણાવ્યું કે, બંધારણનું રક્ષણ કરતી ન્યાયપાલિકા સત્તામાં બેઠેલા લોકોના દબાણથી સંપૂર્ણપણે મુક્ત રહેવી જોઈએ. રિપોર્ટ અનુસાર, પૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડ ન્યાયિક નિમણૂકના મામલે સરકાર પ્રત્યે જરૂર કરતાં વધુ નરમ વલણ ધરાવતા હતા.
