Omar Abdullah Nidhi Razdan Wedding: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને જાણીતા પત્રકાર નિધિ રાજદાને વિધિવિધાન સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરીને નવદંપતીએ પોતાના સંબંધોને સત્તાવાર રીતે જાહેર કર્યા છે. બંનેના લગ્નની તસવીરો ઈન્ટરનેટ-સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, અને ચર્ચાનો વિષય બની છે.
56 વર્ષીય ઓમર અબ્દુલ્લાએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિધિ રાજદાન સાથેની લગ્નની 4 સુંદર તસવીરો શેર કરી હતી. આ તસવીરો સાથે તેમણે કેપ્શનમાં લખ્યું, 'A new journey began yesterday' (ગઈકાલે એક નવી સફરની શરૂઆત થઈ) અને તેમાં નિધિ રાજદાનને ટેગ કરી હતી.
બીજી તરફ, પત્રકાર નિધિ રાજદાને પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્ન સમારોહની તસવીરો શેર કરી હતી. આ પોસ્ટ સામે આવતાની સાથે જ મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા યુઝર્સે પોતાની વિવિધ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું.
લગ્ન સમારોહ અને આયોજનની મુખ્ય વિગતો
સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે 'Special Marriage Act' હેઠળ આ લગ્ન સંપન્ન થયા હતા. જેમાં બંને પક્ષના પરિવારના સભ્યો સાક્ષી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રીનગર અને નવી દિલ્હી ખાતે લગ્નના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ સમારોહમાં અબ્દુલ્લાના માતા-પિતા, તેમની 3 બહેનો અને અન્ય નજીકના સંબંધીઓ તેમજ નિધિના માતા-પિતા અને ખાસ સ્વજનો જ હાજર રહ્યા હતા.
ઓમર અબ્દુલ્લા અને તેમની પ્રથમ પત્ની પાયલ વચ્ચે થયેલા એક સમજૂતી કરાર બાદ, આ વર્ષે જુલાઈમાં સુપ્રીમ કોર્ટના આદેશથી તેમના લગ્નજીવનનો સત્તાવાર અંત આવ્યો હતો. પ્રથમ પત્નીથી છૂટાછેડા થયા બાદ ઓમર અને નિધિની નિકટતા ચર્ચામાં આવી હતી અને તેઓ અગાઉ ઘણા કાર્યક્રમોમાં પણ સાથે જોવા મળ્યા હતા. 49 વર્ષીય પત્રકાર નિધિ રાજદાનના પણ આ બીજા લગ્ન છે.
