Tyohar Asharfi Sweet: આગામી દિવાળીના તહેવારને લઈને બજારોમાં અનેક નવી ચીજવસ્તુઓ જોવા મળી રહી છે, પરંતુ હાલ રાજસ્થાનના જયપુરથી એક એવા અનોખા સમાચાર સામે આવ્યા છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. જયપુરની એક જાણીતી સ્વીટ શોપ દ્વારા તૈયાર કરવામાં આવેલી 'ત્યોહાર અશરફી' નામની મીઠાઈ તેની ઊંચી કિંમત અને શાહી પ્રસ્તુતિને કારણે ભારે ચર્ચામાં છે. આ વિશેષ મીઠાઈનો માત્ર 9 ગ્રામનો એક ટુકડો ₹1,111 ની કિંમતે વેચાઈ રહ્યો છે, જેનો અર્થ એ થયો કે આ મીઠાઈનો પ્રતિ કિલોગ્રામ ભાવ અંદાજે ₹1,23,000 જેટલો થાય છે.
શાહી પરંપરા અને આધુનિક કલ્પનાનું અનોખું મિશ્રણ
આ વિશેષ મીઠાઈ વિશે વાત કરતા જયપુરની આ સ્વીટ શૉપના સ્થાપક અંજલિ જૈને જણાવ્યું હતું કે, "રાજા-મહારાજાઓના સમયમાં કદર કે સન્માન વ્યક્ત કરવા માટે સોનાના સિક્કા અશરફી ભેટમાં આપવાની શાહી પરંપરા હતી. અમે આ જ પ્રાચીન સંસ્કૃતિ અને કલ્પનાને મીઠાઈના સ્વરૂપમાં પુનર્જીવિત કરી છે."
તેમણે ઉમેર્યું કે આ મીઠાઈને અસલી સોનાના સિક્કા જેવી જ બનાવવામાં આવી છે, જેને 'ત્યોહાર અશરફી' નામ આપવામાં આવ્યું છે. દરેક અશરફીનું વજન 9 ગ્રામ છે અને તેની કિંમત ₹1,111 રાખવામાં આવી છે, જે શુભ માનવામાં આવે છે. આ મીઠાઈ ગ્રાહકો માટે 9 નંગના ખાસ બોક્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેની કિંમત ₹9,999 છે. જો ગણતરી કરવામાં આવે તો આ પ્રીમિયમ મીઠાઈનો પ્રતિ કિલોગ્રામ ભાવ ₹1,23,000 સુધી પહોંચે છે.
તહેવારોની સિઝનમાં ગ્રાહકોનો ભારે ઉત્સાહ
દિવાળીના પાવન અવસરે લોકો એકબીજાને ભેટ-સોગાદો આપે છે અને અવનવી મીઠાઈઓની ખરીદી કરે છે. આ લક્ઝરી અને યુનિક મીઠાઈ ખરીદવા માટે શોપ પર લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. પરંપરાગત મીઠાઈઓથી હટીને કંઈક નવું અને શાહી અંદાજ આપવા માંગતા ગ્રાહકો માટે આ 'અશરફી' આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગઈ છે. જયપુરના આ અનોખા પ્રયોગે આ વર્ષે દીવાળીના બજારમાં એક અલગ જ ચર્ચા જગાવી છે.
