Census 2027: દેશની આગામી વસ્તી ગણતરી (Census 2027)ને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યા છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણ દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત નોટિફિકેશન મુજબ, દેશભરમાં વસ્તી ગણતરીનો બીજો અને મહત્વપૂર્ણ તબક્કો 25 જાન્યુઆરી, 2027 થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે.
આ વખતની વસ્તી ગણતરી અનેક રીતે ઐતિહાસિક બની રહેશે, કારણ કે આ ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી છે જેમાં પ્રથમ વખત જાતિ ગણતરી (Caste Census)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
વસ્તી ગણતરી 2027નું સંપૂર્ણ શિડ્યુલ
વસ્તી ગણતરી પ્રક્રિયા સરળ અને સચોટ રહે તે માટે અલગ-અલગ તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે:
સેલ્ફ-એન્યુમરેશન (ઓનલાઈન માહિતી): 10 જાન્યુઆરી, 2027 થી 24 જાન્યુઆરી, 2027
(નાગરિકો પોતે ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાના પરિવારની વિગતો નોંધાવી શકશે)
ઘરે-ઘરે જઈને ગણતરી (Door-to-Door Enumeration): 25 જાન્યુઆરી, 2027 થી 28 ફેબ્રુઆરી, 2027
રીવિઝનલ રાઉન્ડ (સુધારા તબક્કો): 1 માર્ચ, 2027 થી 5 માર્ચ, 2027
સંદર્ભ સમય (Reference Date): 1 માર્ચ, 2027 ની રાત્રે 00:00 કલાક
ચૂંટણી વાળા રાજ્યો અને બરફાચ્છાદિત વિસ્તારો માટે અલગ સમયપત્રક
4 રાજ્યો માટે વહેલી પ્રક્રિયા: ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને પંજાબમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયા 16 નવેમ્બર, 2026 થી 5 જાન્યુઆરી, 2027 દરમિયાન પૂરી કરવામાં આવશે. આ રાજ્યોમાં 16 નવેમ્બરે સેલ્ફ-એન્યુમરેશન પોર્ટલ શરૂ થશે અને 1 ડિસેમ્બરથી ઘરે-ઘરે ગણતરી શરૂ થશે.
પહાડી અને પહોંચી ન શકાય તેવા વિસ્તારો: લડાખ તેમજ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બરફાચ્છાદિત વિસ્તારોમાં આ પ્રક્રિયા 30 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ ચૂકી છે.
મણિપુર: જાતિગત હિંસા અને અશાંતિના કારણે મણિપુરમાં આ કામગીરી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.
પ્રથમ વખત પૂછાશે આ 13 નવા પ્રશ્નો (કુલ 40 પ્રશ્નોની યાદી)
ઘરે-ઘરે આવનારા ગણતરીકારો (Enumerators) વાચકો/નાગરિકોને કુલ 40 પ્રશ્નો પૂછશે. જેમાં 13 પ્રશ્નો પ્રથમ વખત ઉમેરવામાં આવ્યા છે:
- જાતિ (Caste): અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સિવાયની અન્ય જાતિઓની વિગત.
- ધર્મ અને રાષ્ટ્રીયતા (Religion & Nationality)
- માતા-પિતાનું જન્મસ્થળ અને જન્મતારીખ
- ડિજિટલ સાક્ષરતા (Digital Literacy): સ્માર્ટફોન કે ઈન્ટરનેટનો ઉપયોગ.
- કોવિડ-19 રસીકરણનું સ્થળ
- બેન્ક ખાતાની સંખ્યા (Number of Bank Accounts)
- કાયમી રહેઠાણનું સરનામું (Permanent Address)
- જીવનસાથીનું નામ (Spouse Name)
- પાસપોર્ટ નંબર (જો ઉપલબ્ધ હોય તો)
- ડ્રાઇવિંગ લાયસન્સ છે કે નહીં?
- મોબાઈલ નંબર
- આધાર નંબર (મરજીયાત)
- વોટર આઈડી નંબર (સ્વૈચ્છિક)
કાયદાકીય જોગવાઈ અને પ્રથમ તબક્કો
આ ગણતરી સેન્સસ એક્ટ, 1948ની કલમ 3 અને સેન્સસ રૂલ્સ, 1990 હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો એટલે કે હાઉસલિસ્ટીંગ ઓપરેશન્સ (HLO) આ વર્ષે 1 એપ્રિલથી શરૂ થઈને 30 સપ્ટેમ્બરના રોજ મણિપુર સિવાય સમગ્ર દેશમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો છે.
આ વસ્તી ગણતરીના આધારે જ દેશમાં આવનારા દાયકા માટેની સરકારી યોજનાઓ, રોડમેપ અને નીતિઓ ઘડવામાં આવશે.
