Indian Voters: ભારતમાં 1951 બાદ મતદાતાઓની કુલ સંખ્યામાં લગભગ 6 ગણો વધારો નોંધાયો છે. આ સાથે આ વર્ષે આ આંકડો 94.50 લાખથી વધુ થઈ ગયો છે. જો કે આ સાથે એક સચ્ચાઈ એ પણ છે કે, આમાંથી ત્રીજા ભાગના (30 કરોડ જેટલા) લોકો ગત લોકસભા ચૂંટણીમાં મતદાનથી અળગા રહ્યાં હતા.
1951માં જ્યારે પ્રથમ લોકસભા ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી, તે સમયે દેશમાં 17.32 કરોડ રજિસ્ટર્ડ મતદાતા હતા. જ્યારે પ્રથમ લોકસભા ચૂંટણીમાં માત્ર 45.67 ટકા લોકોએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જો કે તે પછીના વર્ષોમાં રજિસ્ટર્ડ મતદાતાઓની સંખ્યામાં ધીમે-ધીમે વધારો જોવા મળ્યો છે. આ સાથે જ ચૂંટણીમાં મતદાનની ટકાવારી પણ વધી છે. 1957ની લોકસભા ચૂંટણીમાં રજિસ્ટર્ડ મતદાતાઓની સંખ્યા 19.37 કરોડ હતી. જે પૈકી 47.74 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 1962ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાનની ટકાવારી 50 ટકાથી વધારે નોંધાઈ હતી. તે સમયે 21.64 કરોડ મતદાતાઓ પૈકી 55.42 ટકાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં લગભગ 30 કરોડ લોકોએ વોટ નહતો આપ્યો. ખાસ કરીને શહેરી મતદારો, યુવાઓ અને પ્રવાસી મતદારો પોતાના મતાધિકારનો ઓછો ઉપયોગ કરી રહ્યાં છે.
આવા પ્રવાસી મતદાતાઓના નામ તેમના હોમ સ્ટેટની મતદાર યાદીમાં છે, પરંતુ તેઓ અન્ય કોઈ ઠેકાણે કામ કરતા હોય છે. જેના પગલે આવા મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરી શકતા. આ સમસ્યાના સમાધાન માટે જ ચૂંટણી પંચે રિમોટ વૉટિંગ ટેક્નોલૉજીનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તેમજ આગામી વર્ષે લોકસભા ચૂંટણી આવવાની છે. એવામાં મતદાતાઓ વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રેરિત કરવા ચૂંટણી પંચ અનેક યોજનાઓ પર કામ કરી રહ્યું છે.