IMD Weather Update: ઉત્તર ભારત (North India)ના તમામ રાજ્યોમાં આ દિવસોમાં વરસાદને કારણે કાળઝાળ ગરમીથી રાહત મળી છે. મે મહિનામાં જ્યાં લોકોને સામાન્યપણે આકરી ગરમીનો સામનો કરવો પડે છે, ત્યારે ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. હવામાન વિભાગ (The Indian Meteorological Department)ના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદનો આ સમયગાળો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આજે એટલે કે 26 મે સુધી ચાલુ રહેશે.
નવી દિલ્હીનું વાતાવરણ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે નવી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાઈ શકે છે. તે જ સમયે, નવી દિલ્હીના વિસ્તારોમાં આજે હળવો વરસાદ પણ જોવા મળી શકે છે. નવી દિલ્હીમાં 27 મેના રોજ પણ હળવો વરસાદ જોવા મળી શકે છે. તે જ સમયે, નવી દિલ્હીમાં મેના અંતિમ દિવસોમાં, તાપમાન પણ 37 ડિગ્રી અથવા તેનાથી નીચે નોંધાશે.
ઉત્તર પ્રદેશની હવામાન સ્થિતિ
ઉત્તર પ્રદેશની રાજધાનીની વાત કરીએ તો આજે લખનઉમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાઈ શકે છે. તે જ સમયે, આજે લખનઉમાં ગાજવીજ સાથે વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે. રાજ્યભરમાં આવું જ વાતાવરણ રહે તેવી પ્રબળ સંભાવના છે.
અન્ય રાજ્યોની સ્થિતિ
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આજે પશ્ચિમ હિમાલયના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે, પશ્ચિમ હિમાલયના ઉપરના વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ શકે છે. આ સાથે પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના ભાગોમાં એક-બે સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગુજરાતનું વાતાવરણ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે. જોકે, અમદાવાદીઓને હજુ 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે. અમદાવાદમાં હજું 5 દિવસ સુધી યલો એલર્ટ યથાવત રખાયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આગાહી પ્રમાણે 28, 29 મેના રોજ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે.