India on PoK: ભારતે પાકિસ્તાન અને ચીન વચ્ચેના કહેવાતા સંયુક્ત આયોગ અને સરહદી કરારોને લઈને અત્યંત કડક વલણ અપનાવ્યું છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય (MEA) દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન અને ચીન વચ્ચે કોઈ સરહદ જ નથી, અને આ પ્રકારના ગેરકાયદે કરારો કે આયોગને ભારત સદંતર ફગાવે છે.
પાક-ચીન વચ્ચેના 'સંયુક્ત આયોગ' પર ભારતનો સખત વિરોધ
બુધવારે મીડિયાના સવાલોના જવાબ આપતી વખતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયવાલે પાકિસ્તાન અને ચીનના સંયુક્ત સરહદી સહયોગના દાવાઓની ઝાટકણી કાઢી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારત સરકાર આ કહેવાતા પાક-ચીન સીમા સંયુક્ત આયોગને સંપૂર્ણપણે નકારે છે, કારણ કે તેને કોઈ જ કાનૂની માન્યતા નથી.
ભારતે પુનરોચ્ચાર કર્યો કે તેણે વર્ષ 1963ના કહેવાતા 'ચીન-પાકિસ્તાન સીમા સમજૂતીને ક્યારેય સ્વીકાર્યો નથી અને આ કરાર સંપૂર્ણપણે ગેરકાયદેસર તેમજ અમાન્ય છે.
"જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે"
વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશો હંમેશાથી ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ રહ્યા છે અને ભવિષ્યમાં પણ રહેશે.
પાકિસ્તાનને ભારતીય ક્ષેત્ર અથવા તેના ગેરકાયદે અને જબરદસ્તીથી કબજા હેઠળના વિસ્તારો અંગે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવાનો કે ફેરફાર કરવાનો કોઈ અધિકાર નથી.
આ પ્રકારની નાટકબાજી કે કબજાવાળા વિસ્તારોની સ્થિતિ બદલવાના પ્રયાસોથી ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર કોઈ અસર નહીં પડે.
"ગેરકાયદે કબજો તુરંત ખાલી કરે પાકિસ્તાન"
ભારતે પાકિસ્તાનને આડેહાથ લેતા કડક શબ્દોમાં કહ્યું છે કે આવા દેખાડા અને સમજુતીઓ કરવાને બદલે પાકિસ્તાને તેના ગેરકાયદેસર અને જબરદસ્તી કબજા હેઠળના તમામ ભારતીય વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ચીન દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સતત લશ્કરી દબાણ બનાવવામાં આવી રહ્યું છે. કારાકોરમ વિસ્તારમાં પાકિસ્તાન અને ચીનની આ ગતિવિધિઓ અને સીમા સહયોગથી ભારતની ઐતિહાસિક અને કાનૂની માલિકી સામે જોખમ ઉભૂ કરવાનો પ્રયાસ થાય છે, જેને ભારત સરકારે ક્યારેય સહન કર્યું નથી અને ભવિષ્યમાં પણ તેનો કડક વિરોધ જારી રાખવામાં આવશે.
