India Issues Demarche to US: આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને કૂટનીતિની દુનિયામાં હાલમાં 'ડિમાર્શ' (Demarche) શબ્દ ભારે ચર્ચામાં છે. તાજેતરમાં ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝમાં એક જહાજ પર અમેરિકાએ કરેલા હુમલોમાં ત્રણ ભારતીયોના મોત થયા હતા. આ ઘટના બાદ ભારતે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.
ભારતે અમેરિકાને ઔપચારિક 'ડિમાર્શ' સોંપ્યો
વિશ્વના સૌથી શક્તિશાળી ગણાતા દેશ અમેરિકાને ભારતે ઔપચારિક 'ડિમાર્શ' સોંપ્યો છે. ભારતે આ મુદ્દે દિલ્હીમાં અમેરિકન કાર્યવાહક રાજદૂતને બકાયદા તલબ કર્યા હતા અને પોતાની ગંભીર આપત્તિ નોંધાવી છે. આ પગલાં બાદ કૂટનીતિક વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.
શું હોય છે ડિમાર્શ (Demarche)?
કૂટનીતિની ભાષામાં 'ડિમાર્શ' એક અત્યંત ઔપચારિક અને સત્તાવાર માધ્યમ છે. જ્યારે કોઈ દેશ અન્ય દેશની કોઈ કાર્યવાહી, નીતિ કે ઘટનાથી અસહમત હોય, ત્યારે તે આના દ્વારા સત્તાવાર રીતે પોતાની ચિંતા, કડક વિરોધ કે આપત્તિ નોંધાવે છે અથવા સ્પષ્ટતાની માંગ કરે છે.
આ કોઈ સામાન્ય વાતચીત કે ફરિયાદ હોતી નથી. તે એક લેખિત અથવા મૌખિક સંદેશ હોય છે, જે સંબંધિત દેશના વિદેશ મંત્રાલય દ્વારા બીજા દેશના રાજદૂતને સોંપવામાં આવે છે. તેનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે કોઈ ઘટના બહુ ગંભીર હોય અને સરકાર ઈચ્છતી હોય કે તેનો સત્તાવાર રેકોર્ડ બને, જેથી સામે વાળા દેશે લેખિતમાં જવાબ કે સ્પષ્ટતા આપવી જ પડે.
ભારતે શા ભર્યું આવું કડક પગલું?
ઓમાનના દરિયાકાંઠે જહાજ પર થયેલા હુમલાના કારણે ભારતીય નાગરિકોની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થયો હતો. ભારત સરકારે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે. આ ડિમાર્શ દ્વારા ભારતે અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરે. આ સાથે જ ભારતે અમેરિકી અધિકારીઓ પાસેથી આ ઘટના અંગે વિસ્તૃત સ્પષ્ટતા અને જવાબદેહીની માંગ કરી છે.
આ પગલાંનું કૂટનીતિક મહત્વ શું છે?
આંતરરાષ્ટ્રીય મંચ પર ડિમાર્શ જારી કરવાના બહુ ઊંડા અર્થ હોય છે. આનો સીધો સંકેત એ છે કે હવે આ મુદ્દો માત્ર અનૌપચારિક વાતચીત પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ઔપચારિક કૂટનીતિક સ્તરે પહોંચી ગયો છે, જેને ટાળી શકાય નહીં.
ભારત સરકારના આ પગલાં બાદ હવે અમેરિકાની જવાબદારી બની ગઈ છે કે તે આ સમગ્ર ઘટના અંગે પોતાની તપાસ રિપોર્ટ, સ્પષ્ટતા કે સહયોગની સત્તાવાર માહિતી ભારતને પૂરી પાડે. અમેરિકા તરફથી જે પણ જવાબ મળશે, તેના જ આધારે ભારત પોતાની ભવિષ્યની રણનીતિ અને કાર્યવાહી નક્કી કરશે.
આ ઘર્ષણ નહીં, પણ સમાધાનનો રસ્તો
કૂટનીતિક નિષ્ણાતોના મતે, ડિમાર્શનો ઉદ્દેશ્ય કોઈ દેશ સાથે યુદ્ધ કે સીધો ટકરાવ કરવાનો હોતો નથી, પરંતુ કાયદાકીય દાયરામાં રહીને કૂટનીતિક રીતે સમાધાન શોધવાનો હોય છે. ભારતનું આ પગલું એ સાબિત કરે છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના હિતોની રક્ષા સંપૂર્ણ જવાબદારી અને મજબૂતી સાથે કરતા જાણે છે.
