India Invites Pakistan SCO Meeting: ભારતે કૂટનીતિક ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેતાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના તમામ 10 સભ્ય દેશોને નવી દિલ્હી ખાતે યોજાનારા પ્રથમ 'SCO સિવિલાઈઝેશનલ ડાયલોગ ફોરમ' માં ભાગ લેવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે. આ ખાસ આમંત્રણમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. ભારત દ્વારા આયોજિત આ આંતરરાષ્ટ્રીય બેઠક 20 થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાનાર છે.
'ઓપરેશન સિંદૂર' પછી સંબંધો સુધરવાની આશા
મે 2025માં ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા સાહસિક 'ઓપરેશન સિંદૂર' પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારતે પાકિસ્તાનને કોઈ દ્વિપક્ષીય કે બહુપક્ષીય મંચ માટે આ પ્રકારે આમંત્રણ મોકલ્યું છે. આ ઘટનાક્રમ બાદ હવે એવી આશા જાગી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી રાજદ્વારી સ્થગિતતા અને તણાવનો તબક્કો કદાચ ઓગળી શકે છે. નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય મંચ પર સંવાદની આ શરૂઆતથી બંને દેશો વચ્ચેના અટકેલા સંબંધોમાં સુધારો આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ પહેલગામમાં પ્રવાસીઓને નિશાન બનાવીને નિર્મમ હત્યાઓ કરી હતી. તેના કડક અને જડબાતોડ જવાબ તરીકે ભારતે પોતાની રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આવેલા આતંકવાદી અડ્ડાઓ વિરુદ્ધ મે 2025માં 'ઓપરેશન સિંદૂર' સૈન્ય અભિયાન ચલાવ્યું હતું.
SCO સંગઠન અને 10 સભ્ય રાષ્ટ્રો
નવી દિલ્હીમાં 20 થી 22 નવેમ્બર દરમિયાન આયોજિત આ પરિષદમાં યુરોપ અને એશિયાના મુખ્ય દેશો ભાગ લેશે. SCO ના 10 સભ્ય દેશોમાં ભારત, પાકિસ્તાન, ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન અને બેલારુસનો સમાવેશ થાય છે. આ એક મુખ્ય રાજકીય અને આર્થિક સંગઠન છે, જેની ચર્ચાઓ મુખ્યત્વે ક્ષેત્રીય શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પર કેન્દ્રિત હોય છે.
વૈશ્વિક સ્તરે SCO નું મહત્વ
શરૂઆતમાં 'શાંઘાઈ ફાઈવ' (Shanghai Five) તરીકે જાણીતા આ સંગઠનનો વ્યાપ હવે ખૂબ વધી ગયો છે. 10 સભ્ય રાષ્ટ્રો સાથેનું આ સંગઠન આજે સમગ્ર વિશ્વની 42% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત, આ સભ્ય દેશોનો સંયુક્ત GDP વૈશ્વિક જીડીપીના લગભગ ચોથા ભાગ (25%) જેટલો છે, જ્યારે વૈશ્વિક વેપારમાં પણ તેઓ આશરે 15% હિસ્સો ધરાવે છે.
