India First Bamboo Airport: 'શહેરમાં જંગલ' જેવો અહેસાસ... દેશમાં પ્રથમ વાંસમાંથી બનેલા એરપોર્ટ ટર્મિનલનું પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

દેશમાં પ્રથમ વખત કોઈ એરપોર્ટ ટર્મિનલનું નિર્માણ સંપૂર્ણ વાંસના લાકડા દ્વારા કરવામાં આવ્યું છે. આ ઇકો-ફ્રેન્ડલી ટર્મિનલ આસામના ગુવાહાટીમાં બનાવવામાં આવ્યું છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 20 Dec 2025 08:40 AM (IST)Updated: Sat 20 Dec 2025 08:40 AM (IST)
india-first-bamboo-airport-terminal-in-guwahati-assam-pm-modi-will-inaugurate-658625

India First Bamboo Airport: ભારતમાં અનેક સુંદર એરપોર્ટ ટર્મિનલ છે, પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ એરપોર્ટ ટર્મિનલનું નિર્માણ સંપૂર્ણપણે વાંસના લાકડા દ્વારા કરવામાં આવ્યું હોય. આ અદભૂત ટર્મિનલ બનાવવા માટે અંદાજે 140 મેટ્રિક ટન લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આ અનોખા એન્જિનિયરિંગ નમૂના સમાન ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે.

આસામનું ઇકો-ફ્રેન્ડલી ટર્મિનલ
આ ઇકો-ફ્રેન્ડલી ટર્મિનલ આસામના ગુવાહાટીમાં ગોપીનાથ બારદોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન 20 ડિસેમ્બરના રોજ તેમના આસામ પ્રવાસ દરમિયાન તેનું ઉદ્ઘાટન કરશે. આ ટર્મિનલ આશરે 1.4 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને તે દર વર્ષે 1.3 કરોડ મુસાફરોની ક્ષમતા ધરાવે છે. આ સાથે રનવે અને ટેક્સીવેને પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે, જેથી એરપોર્ટની કાર્યક્ષમતા બમણી થવાની અપેક્ષા છે.

અસમી સંસ્કૃતિ અને આધુનિક આર્કિટેક્ચરનો સંગમ
આ નવું ટર્મિનલ બહારથી જ આસામની સાંસ્કૃતિક આત્માને પ્રતિબિંબિત કરે છે. તેનું આર્ક-શેપ સ્ટ્રક્ચર, ખુલ્લી જગ્યાઓ અને વાંસનો કુદરતી રંગ મુસાફરોને પર્યાવરણની નજીક હોવાનો અનુભવ કરાવશે. ટર્મિનલની અંદર વાંસમાંથી બનેલા ઊંચા સ્તંભો અને છત પરંપરાગત શિલ્પકળાને આધુનિક સ્થાપત્ય સાથે જોડે છે. આ પ્રોજેક્ટ આસામની કનેક્ટિવિટી, પ્રવાસન અને આર્થિક વિકાસને નવી દિશા આપશે તેવું માનવામાં આવે છે.

શહેરમાં જંગલ’ જેવો અહેસાસ
ટર્મિનલની અંદર કુદરતી વાતાવરણ જાળવી રાખવા માટે છોડ દ્વારા સજાવટ કરવામાં આવી છે, જે મુસાફરોને ‘શહેરમાં જંગલ’ જેવો અહેસાસ કરાવે છે. રાત્રિના સમયે જ્યારે લાઈટો ઝગમગે છે, ત્યારે આ ટર્મિનલનો નજારો કોઈ પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવો જ ભવ્ય લાગે છે. નોંધપાત્ર છે કે આ ટર્મિનલની ડિઝાઇન પ્રખ્યાત કાઝીરંગા નેશનલ પાર્ક પરથી પ્રેરિત છે. આ ટર્મિનલ માત્ર એક પરિવહન કેન્દ્ર નથી, પરંતુ તે આધુનિક ટેકનોલોજી અને પ્રકૃતિના સંતુલનનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે, જે આસામના પ્રવાસનને નવા શિખરો પર લઈ જશે.