E100 Flex Fuel Cars: દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને વાહનોના પ્રદૂષણથી મુક્તિ મેળવવા માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સેન્ટ્રલ મોટર વહીકલ રૂલ્સમાં મહત્વનો સુધારો કરીને 100 ટકા ઈથેનોલ (E100) અને E85 ઈંધણથી ચાલતા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. સરકારનો આ ફેરફાર એવા સમયે આવ્યો છે જ્યારે દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓ ભારતીય બજારમાં પોતાના E100 મોડલ્સ લોન્ચ કરવા માટે તૈયારી કરી રહી છે.
ઉત્સર્જન (Emission)ના નિયમોમાં કરવામાં આવ્યો સુધારો
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નવા સુધારા દ્વારા વાહનોના ઉત્સર્જન સાથે જોડાયેલા માપદંડોને અપડેટ કરવામાં આવ્યા છે, જેમાં E20 ઉપરાંત E85 અને E100 ઈંધણનો સમાવેશ કરાયો છે.
E100 ઈંધણ: આ 100% શુદ્ધ ઈથેનોલ ઈંધણ છે, જે સંપૂર્ણપણે પેટ્રોલ મુક્ત છે.
E85 ઈંધણ: આમાં 85% ઈથેનોલ અને 15% પેટ્રોલનું મિશ્રણ હોય છે.
હાલના વાહન માલિકો માટે મહત્વની સ્પષ્ટતા
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નવા નિયમો માત્ર એવા વાહનો માટે જ છે જે ખાસ કરીને E85 અથવા E100 ઈંધણ માટે ડિઝાઇન અને સર્ટિફાય કરવામાં આવ્યા હોય.
જો તમારી પાસે હાલમાં E20 કે સામાન્ય પેટ્રોલ પર ચાલતી ગાડી છે, તો તમારે E85 કે E100 ઈંધણ પર સ્વિચ થવાની કોઈ જરૂર નથી. તેમજ હાલમાં કે ભવિષ્યમાં તમારે તમારા વાહનમાં કોઈ ફેરફાર (Modification) કરાવવો પડશે નહીં, કારણ કે સામાન્ય એન્જિનમાં આ નવું ઈંધણ વાપરી શકાશે નહીં.
વૈશ્વિક સ્તરે સફળ સાબિત થયેલી ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજી
બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજીનો ઉપયોગ છેલ્લા ઘણા સમયથી મોટા પાયે થઈ રહ્યો છે. આ ખાસ ટેકનોલોજીથી સજ્જ વાહનોની યુનિક બાબત એ છે કે તેના એક જ ફ્યુઅલ ટેન્કમાં પેટ્રોલ અને ઈથેનોલનું કોઈપણ પ્રમાણ ઉમેરવામાં આવે, તો પણ તેનું એન્જિન તેને આપમેળે એડજસ્ટ કરીને સરળતાથી ચાલે છે.
દેશ અને પર્યાવરણને થનારા મુખ્ય ફાયદા
ઓછું પ્રદૂષણ: સામાન્ય પેટ્રોલની તુલનામાં ઈથેનોલનો ફોસિલ કાર્બન ફૂટપ્રિન્ટ ખૂબ ઓછો હોય છે. E100ના ઉપયોગથી વાહનોમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડ (CO) અને હાઇડ્રોકાર્બનનું ઉત્સર્જન નોંધપાત્ર રીતે ઘટશે.
ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો: ભારત હાલમાં પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ આયાત કરે છે. ઈથેનોલનો વપરાશ વધવાથી ભારતની વિદેશી તેલ પરની નિર્ભરતા ઘટશે અને દેશના અર્થતંત્રને મોટો ટેકો મળશે.
ખેડૂતોની આવકમાં વધારો: ઈથેનોલનું ઉત્પાદન મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય અનાજમાંથી થતું હોવાથી ઈથેનોલની માંગ વધતા દેશના ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે.
