Delhi Ramlila Maidan Rally: દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં આગામી 1 નવેમ્બર 2026ના રોજ વિપક્ષી 'INDIA' ગઠબંધન દ્વારા 'વોટ બચાવો-દેશ બચાવો' મહારેલી અને 'ચલો દિલ્હી' માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના અનેક નેતાઓ આ રેલીની તૈયારીઓમાં જોડાયા છે. દરમિયાન દિલ્હી પોલીસે કાર્યક્રમને મંજૂરી આપતાં કેટલીક કડક શરતો મૂકી છે. બીજી તરફ, દિલ્હીમાં પડેલા વરસાદને કારણે રામલીલા મેદાનમાં પાણી ભરાવા અને કીચડ થવાથી આયોજકોની મુશ્કેલીઓ પણ વધી છે.
દિલ્હી પોલીસે રેલી માટે મૂકી આકરી શરતો
દિલ્હી પોલીસે 1 નવેમ્બરે યોજાનારી મહારેલી માટે સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અનેક નિયમો નક્કી કર્યા છે. આ નિયમોનું પાલન કરવું આયોજકો માટે ફરજિયાત રહેશે.
સાંજે 5 વાગ્યા સુધીમાં રેલી પૂર્ણ કરવી પડશે: પોલીસની શરત મુજબ, રેલી કોઈપણ સંજોગોમાં સાંજે 5 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવી પડશે. ત્યારબાદ મેદાનમાંથી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે. કાર્યક્રમ માટે સમયમર્યાદામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.
રાત્રિ રોકાણની મંજૂરી નહીં: રેલી પહેલાં કે પછી કોઈપણ સહભાગીને રામલીલા મેદાનમાં રાત્રિ રોકાણ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
HD CCTV કેમેરા અને કંટ્રોલ રૂમ: મેદાનના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા, મંચ તેમજ લોકોના બેસવાના સ્થળો પર HD CCTV કેમેરા લગાવવા પડશે. આ ઉપરાંત ઓછામાં ઓછા 5 મોનિટર અને રેકોર્ડિંગની સુવિધા ધરાવતો કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવો પડશે.
પીવાના પાણી અને શૌચાલયની વ્યવસ્થા: રેલીમાં ભાગ લેનારા લોકો માટે પૂરતા પ્રમાણમાં પીવાના પાણીના ટેન્કર અને શૌચાલયની વ્યવસ્થા કરવાની રહેશે. મહિલાઓ માટે અલગ ટોયલેટ બ્લોક બનાવવો પણ જરૂરી રહેશે.
વોલન્ટિયર્સની તૈનાતી: રેલીમાં ભીડનું યોગ્ય સંચાલન થાય તે માટે એકસરખા યુનિફોર્મ અથવા બેજ ધરાવતા વોલન્ટિયર્સ તૈનાત કરવા પડશે.
ભડકાઉ ભાષણો પર પ્રતિબંધ: રેલી દરમિયાન જાતિ, ધર્મ કે રંગના આધારે તણાવ ફેલાય તેવાં ભાષણો આપવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ વક્તા ભડકાઉ નિવેદન આપશે તો આયોજકોએ તાત્કાલિક તેનું માઇક બંધ કરાવી તેને મંચ પરથી હટાવવો પડશે.
મેદાનની બહાર માર્ચ કાઢી શકાશે નહીં: રામલીલા મેદાનની બહાર અન્ય કોઈ સ્થળે માર્ચ કે સરઘસ કાઢવાની મંજૂરી આપવામાં આવી નથી.
પાર્કિંગ અને વાહનોની વિગતો આપવી પડશે: રેલીમાં આવતાં વાહનોનું પાર્કિંગ ટ્રાફિક પોલીસ દ્વારા નક્કી કરાયેલી જગ્યાએ જ કરવાનું રહેશે. સાથે જ આયોજકોએ આમંત્રિત મહેમાનો, વોલન્ટિયર્સ, બસોની સંખ્યા અને વાહનોના રજિસ્ટ્રેશન નંબરની યાદી પોલીસને આપવી પડશે.
રાહુલ ગાંધીની અપીલ, 'પોલીસ કે લાકડીઓથી ન ડરો'
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ શેર કરીને લોકોને આ માર્ચમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે આ આંદોલન લોકશાહી અને બંધારણની રક્ષા કરવા તેમજ 'વોટ ચોરી' અટકાવવાના હેતુથી યોજવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, "આ કોઈ એક રાજકીય પક્ષની માર્ચ નથી, પરંતુ આ હિંદુસ્તાનની આત્માની માર્ચ છે." તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારથી અસંતુષ્ટ તેમજ લોકશાહીની રક્ષા કરવા ઇચ્છતા તમામ લોકોને આ માર્ચમાં જોડાવા અપીલ કરી છે.
તેમણે લોકોને પોલીસ કાર્યવાહી કે લાઠીચાર્જથી ન ડરવાની અપીલ પણ કરી છે. આ ઉપરાંત વિદ્યાર્થી સંગઠનોને પણ પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને દેશની લોકશાહી અને બંધારણની રક્ષા માટે આ માર્ચમાં સામેલ થવા વિનંતી કરી છે. બીજી તરફ, તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને વેપારી મંડળે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. વેપારીઓનું કહેવું છે કે રેલીને કારણે વેપાર અને રોજગાર પર અસર પડી શકે છે. આથી તેમણે રેલી સ્થગિત કરવાની માંગ કરી છે.
વરસાદ અને કીચડથી રેલીની તૈયારીઓમાં મુશ્કેલી
એક તરફ રેલીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, તો બીજી તરફ હવામાનને કારણે આયોજકોની ચિંતા વધી છે. દિલ્હીમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે રામલીલા મેદાનમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં છે અને કીચડ ફેલાયો છે.
જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે તો રેલીમાં ભાગ લેવા આવનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોવાથી વ્યવસ્થા જાળવવી આયોજકો માટે પડકારરૂપ બની શકે છે. હાલમાં મેદાનની સ્થિતિ સુધારવા અને રેલી માટે જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
