India Weather Update: દિલ્હી-NCRમાં ગઈકાલે અને આજે ઝડપી પવનો સાથે વરસાદ પડી રહ્યો છે. ગરમીથી ત્રસ્ત લોકોને આ વાતાવરણના ફેરફારથી રાહત મળી છે. અમુક વિસ્તારોમાં ખૂબ જ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. દિલ્હી, નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામ સહિત NCRના કેટલાક વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે.
દિલ્હીના વાતાવરણને કારણે વિમાનોના શિડ્યુલમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગાહીમાં કહ્યું છે કે આગામી બે કલાક દરમિયાન દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આંધી સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે એડવાઈઝરી પણ જારી કરી છે.
IMDએ શહેરના અને આસપાસના તમામ લોકોને ટ્રાફિક એડવાઈઝરીનું પાલન કરવાનું સૂચન કર્યું છે. લોકોને ઘરની અંદર રહેવા અને બારીઓ અને દરવાજા બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે.
શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી ઓછું હતું. IMDએ જણાવ્યું હતું કે શુક્રવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 20.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં છ ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે શહેરમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ 84 ટકા અને 43 ટકા વચ્ચે હતું. શુક્રવારે દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 98 નોંધાયો હતો, જે 'સંતોષકારક' શ્રેણીમાં આવે છે.
ગુજરાતમાં હવામાન કેવું રહેશે?
ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જ્યારે 27, 28 અને 29 મેના રોજ અમદાવાદ અને મહેસાણા સહિતના અનેક શહેરોમાં વરસદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આજના મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો રાજ્યનું સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે. અમદાવાદમાં ગરમીનો પારો 43.4 ડિગ્રીએ પહોંચ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, 27 મેના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણામાં વરસાદ પડી શકે છે. 28 મેના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વડોદરા, ભરુચ, આણંદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 29 મેના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, વડોદરા, ભરુચ, આણંદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે.