IMD Weather Alert 15 September: દેશભરમાંથી હવે ચોમાસું ધીમે ધીમે વિદાય તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તે પહેલાં ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા એક અતિ ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. અગાઉની સરખામણીએ ચોમાસાની એકંદર ગતિવિધિઓ નબળી પડી રહી હોવા છતાં, આજે 15 સપ્ટેમ્બરના રોજ દેશના દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાત સહિત 20 થી વધુ રાજ્યોમાં તોફાની વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કરાયું છે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 60 km/h સુધી પહોંચવાની અને આકાશમાં વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતના 8 જિલ્લામાં 'રેડ એલર્ટ'
હવામાન વિભાગની તાજેતરની માહિતી મુજબ, ગુજરાતમાં 15 સપ્ટેમ્બરના રોજ મેઘરાજા ભારેથી અતિ ભારે તાંડવ મચાવી શકે છે. જેને પગલે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત 8 જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 45 km/h ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજનું મહત્તમ તાપમાન 29°C અને લઘુત્તમ તાપમાન 23°C રહેવાની સંભાવના છે.
દિલ્હીનું હવામાન
રાજધાની દિલ્હીમાં આજે હળવો વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. દિવસ દરમિયાન પવનની ગતિ 50 km/h સુધી રહી શકે છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 32°C અને લઘુત્તમ તાપમાન 24°C રહેશે. તેમજ 16 અને 17 સપ્ટેમ્બરના રોજ તાપમાન વધીને 34°C સુધી પહોંચી શકે છે.
ઉત્તર પ્રદેશનું હવામાન
ગાઝિયાબાદ, આગ્રા, કાનપુર, મુઝફ્ફરનગર, ગોંડા અને સીતાપુર સહિતના વિસ્તારોમાં 45 થી 50 km/h ની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી છે. લખનૌમાં આજે મહત્તમ તાપમાન 33°C અને લઘુત્તમ તાપમાન 26°C નોંધાઈ શકે છે.
બિહારનું હવામન
બિહારના પૂર્વ ચંપારણ, સીતામઢી, મધુબની, કિશનગંજ અને ઔરંગાબાદ સહિત 17 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે 30 થી 40 km/h ની ગતિએ તોફાની પવન અને ભારે વરસાદનું એલર્ટ છે. પટનામાં મહત્તમ તાપમાન 33°C અને લઘુત્તમ તાપમાન 27°C રહેશે.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનું હવામાન
મધ્ય પ્રદેશના ઈન્દોર, ભોપાલ, રતલામ, વિદિશા અને બેતુલ જેવા વિસ્તારોમાં 55 km/h ની ઝડપે પવન સાથે તોફાની વરસાદ પડી શકે છે. જ્યારે રાજસ્થાનના કોટા, ઉદયપુર, જયપુર અને ચુરુ સહિતના વિસ્તારોમાં 55 km/h ની ગતિથી પવન ફૂંકાવાની અને ભારે વરસાદની સંભાવના છે.
અરુણાચલ પ્રદેશ અને તમિલનાડુનું હવામાન
ઉત્તર-પૂર્વના અરુણાચલ પ્રદેશમાં પવનની ગતિ 60 km/h સુધી પહોંચી શકે છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુના વેલ્લોર, ઈરોડ અને ત્રિચી સહિતના જિલ્લાઓમાં 50 km/h ની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની આશંકા છે.
હવામાન વિભાગે તમામ અસરગ્રસ્ત રાજ્યોના નાગરિકોને ખરાબ હવામાન દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા સલાહ આપી છે.
