Free Bus Journey: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીઓ પૂરી થઈ ગઈ અને કોંગ્રેસે સત્તા પણ સંભાળી લીધી છે. પણ ખરી મુશ્કેલી તો હવે બસ કન્ડક્ટર માટે સર્જાઈ છે. અઙીં કોંગ્રેસે તેના ઘોષણા પત્રમાં મહિલાઓને ફ્રી બસ યાત્રાનું વચન આપ્યું હતું. કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમ (KSRTC) સ્ટાફ એન્ડ વર્કર્સ ફેડરેશનનું કહેવું છે કે મહિલાઓ માટે ફ્રી બસ સેવાનું વચન યાત્રીઓ અને બસ કન્ડક્ટર વચ્ચે ઘર્ષણનું કારણ બન્યું છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સમક્ષ રજૂઆત કરી છે કે તેઓ જલ્દીથી આ યોજના લાગૂ કરે.
મહાસંઘના અધ્યક્ષ એચવી અનંત સુબ્બારાવે મીડિયા સમક્ષ કહ્યું હતું કે મહિલા યાત્રીઓ હવે બસ ભાડુ આપવાનો ઈન્કાર કરી રહી છે. આ ઉપરાંત બસ કન્ડેક્ટરના કહેવા છતાં ફ્રીમાં બસ યાત્રા કરી રહી છે.
વર્ષ 2023ના કર્ણાટક વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસ પાર્ટીએ જે પાંચ ગેરન્ટી આપી હત તે પૈકી એક શક્તિ હતી, એટલે કે રાજ્યભરમાં જાહેર પરિવહનની બસોમાં મહિલાઓ માટે મફત યાત્રાના વચનનો સમાવેશ થતો હતો.
બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી (BJP)એ મહાસંઘના પત્રને શેર કરતા ટ્વિટ કરી કોંગ્રેસ પક્ષ પર ખોટા વચનો આપવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે ચેતવણી આપી છે કે પ્રજાની ભાવના સાથે રમત રમવામાં સરકારની બિનજવાબદારીથી પ્રજાનો અસંતોષ જલ્દીથી રાજ્યમાં વ્યાપક વિરોધનું કારણ બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમારે 20મી મેના રોજ મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી પદ માટે થપથ લીધા હતા.