TCS Nashik Case: મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) ના BPO કેમ્પસમાં ધર્મ પરિવર્તન અને જાતીય સતામણીના ગંભીર મામલાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. આ કેસમાં સૌથી વધુ ચર્ચિત નામ એચઆર મેનેજર નિદા ખાનનું છે, જેને સાથી કર્મચારીઓ 'દબંગ મેમ' તરીકે ઓળખતા હતા.
બ્રેનવોશ અને ધાર્મિક દબાણ:
એફઆઈઆરમાં કરાયેલા ગંભીર આરોપો મુજબ, નિદા ખાન માત્ર એચઆરની ભૂમિકા સુધી મર્યાદિત નહોતી, પરંતુ તે મહિલા કર્મચારીઓને ઇસ્લામિક રીત-રિવાજો અપનાવવા અને બુરખો પહેરવા માટે મજબૂર કરતી હતી. પીડિતોના જણાવ્યા મુજબ, તે ઓફિસની અંદર બુરખો કેવી રીતે પહેરવો તેની તાલીમ પણ આપતી હતી. એટલું જ નહીં, કર્મચારીઓને હિંદુ દેવી-દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ સાંભળવા, જબરન નમાજ પઢવા, રોજા રાખવા અને માંસાહારી ભોજન ખાવા માટે પણ માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવતા હતા.
પોલીસનું અનોખું ગુપ્ત ઓપરેશન:
નાસિક પોલીસને જ્યારે આ અંગે માહિતી મળી, ત્યારે આખા રેકેટનો પર્દાફાશ કરવા માટે એક અત્યંત ગુપ્ત અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પોલીસની 4 મહિલા કોન્સ્ટેબલોને આશરે 2 અઠવાડિયા સુધી 'હાઉસકીપિંગ સ્ટાફ' બનાવીને કંપનીના કેમ્પસમાં મોકલવામાં આવી હતી. આ મહિલા પોલીસકર્મીઓએ કર્મચારીઓના પરસ્પરના વ્યવહાર અને ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખીને પુરાવા એકઠા કર્યા હતા, જેના આધારે આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.
આંતરરાષ્ટ્રીય કનેક્શન અને ષડયંત્ર:
એસઆઈટીની તપાસમાં સામે આવ્યું છે કે એચઆર મેનેજર નિદા ખાને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા 70 જેટલા ફરિયાદ મેસેજને અવગણ્યા હતા અને આરોપીઓને બચાવવાના પ્રયાસ કર્યા હતા. વોટ્સએપ ચેટની તપાસમાં મલેશિયાના એક શંકાસ્પદ શખ્સ ઈમરાન સાથેના જોડાણ પણ બહાર આવ્યા છે, જે ભડકાઉ ભાષણો દ્વારા કર્મચારીઓનું બ્રેનવોશ કરવામાં મદદ કરતો હોવાની શંકા છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે આ રેકેટ પાછળ કોઈ વિદેશી ફંડિંગ કે આતંકી કનેક્શન છે કે કેમ.
9 FIR નોંધાઈ, 12 પીડિત સામે આવ્યા છે
આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 9 FIR નોંધવામાં આવી છે અને 12 થી વધુ પીડિતો સામે આવ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં આસિફ અંસારી, દાનિશ શેખ, રજા મેમણ અને ઓપરેશન્સ મેનેજર અશ્વિની ચૈનાની સહિત 8 લોકોની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર ગણાતી નિદા ખાન હાલ ફરાર છે અને પોલીસની ટીમ સતત દરોડા પાડીને તેની શોધખોળ કરી રહી છે.
કંપની અને મહિલા આયોગની પ્રતિક્રિયા:
TCS એ આ ઘટનાને અત્યંત ગંભીર ગણીને આરોપી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને તપાસ એજન્સીઓને પૂરો સહયોગ આપવાની ખાતરી આપી છે. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ મામલે સ્વનિર્ણય લઈ એક ફેક્ટ-ફાઈન્ડિંગ કમિટીની રચના કરી છે, જે 17 એપ્રિલના રોજ નાસિકની મુલાકાત લેશે.
