PNB Fake Currency: સહારનપુર-UP:પંજાબ નેશનલ બેન્ક(PNB)ની કરન્સી ચેસ્ટમાં ઓડિટ સમયે રૂપિયા 7.40 કરોડના નકલી નાણાં(Fake Currency) મળી આવતા બેન્કિંગ વ્યવસ્થા પર ગંભીર પ્રશ્ન સર્જાયો છે.
ઉત્તર પ્રદેશના સોફિયા માર્કેટમાં કરન્સી ચેસ્ટમાં ચલણી નોટોની તપાસ સમયે રૂપિયા 7.40 કરોડની ચલણી નોટો નકલી હોવાનું સામે આવ્યું છે. આ કરન્સી ચેસ્ટ સાથે સંકળાયેલ અન્ય એક કેસમાં હેડક્વોટરને મોકલવામાં આવેલ રોકડમાં પણ રૂપિયા 4.36 લાખની રકમ ઓછી મળી છે. બેંક સાથે સંકળાયેલ આ ઘટનાને લઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
નોડલ ઓફિસર અરુણ કુમાર ચૌબેની ફરિયાદના આધારે નકલી નોટોની આ ઘટનામાં અનેક સિનિયર અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કરન્સી ચેસ્ટમાં આટલા મોટા પ્રમાણમાં નકલી નોટ મળ્યા બાદ સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેનો સ્રોત કયો હતો. કરન્સી ચેસ્ટમાં બેંકની વિવિધ શાખામાંથી રોકડ આવતી હોય છે. આ સંજોગોમાં પોલીસ હવે આ ઘટનાને લઈ વ્યાપક તપાસ શરૂ કરી દીધી છે.
રૂપિયા 7.40 કરોડના નકલી નાણાં એક સાથે જમા થયા કે પછી અલગ-અલગ રીતે થયા તે હવે તપાસ અધિકારીઓ માટે ઊંડી તપાસનો વિષય બન્યો છે. આ માટે બેંક પાસે રોકડ જમા કરવા સંબંધિત રેકોર્ડ માંગવામાં આવ્યો છે.
પોલીસ અધિકારી વ્યોમ બિંદલે જણાવ્યું હતું કે કરન્સી ચેસ્ટના ઓડિટમાં નકલી નોટો મળવી અને મુખ્યલયને મોકલવામાં આવેલ રોકડ સંબંધિત અલગ-અલગ કેસ સામે આવ્યા છે. બન્ને ઘટનાને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે. કૂલ ચાર વ્યક્તિ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
