Driving License New Rules India: દેશમાં માર્ગ સુરક્ષા અને લાઇસન્સિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક તથા કડક બનાવવાના હેતુથી કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ, હવેથી લાઇસન્સ ધારકની રાષ્ટ્રીયતા સ્પષ્ટ થાય તે માટે કલર-કોડેડ સિસ્ટમ લાવવાની સાથે સાથે અનેક મહત્વપૂર્ણ પ્રક્રિયાગત સુધારાની પ્રસ્તાવના મૂકવામાં આવી છે.
ભારતીયો અને વિદેશીઓ માટે અલગ-અલગ રંગના ડ્રાઇવિંગ લાઇસન્સ
કેન્દ્રીય મંત્રાલયના નવા પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય લાઇસન્સ ધારક ભારતીય નાગરિક છે કે વિદેશી નાગરિક તેની તાત્કાલિક અને સ્પષ્ટ ઓળખ કરવાનો છે. આ માટે દેશમાં પ્રથમ વખત 'કલર-કોડેડ ડ્રાઇવિંગ લાઇસન્સ' જારી કરવાનો નિર્ણય લેવાયો છે. ભારતીય નાગરિકો માટેના DL અને વિદેશી નાગરિકો માટેના DL નો રંગ અલગ-અલગ રાખવામાં આવશે, જેથી ટ્રાફિક અને સુરક્ષા એજન્સીઓ ક્ષણવારમાં ધારકની ઓળખ ચકાસી શકશે.
સોગંદનામાની આવશ્યકતા થશે નાબૂદ
હાલની વ્યવસ્થામાં ઉંમર અને સરનામાના પુરાવા તરીકે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા નોટરી સમક્ષ કરવામાં આવતા સોગંદનામાના દુરુપયોગના અનેક કિસ્સા સામે આવ્યા છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે હવે સોગંદનામાની ફરજિયાત આવશ્યકતા નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
તદ્ઉપરાંત, મંત્રાલયે ચોક્કસ 12 માન્ય દસ્તાવેજોની યાદી જાહેર કરી છે
- સરનામાના પુરાવા માટે: આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ઈ-રેશન કાર્ડ, વીજળી કે ગેસ બિલ અથવા વિદેશી નાગરિકોના કિસ્સામાં ભારતમાં તેમની કાયદેસર હાજરી દર્શાવતા દસ્તાવેજો.
- ઉંમરના પુરાવા માટે: પાસપોર્ટ, સ્કૂલ બોર્ડની માર્કશીટ, જન્મ પ્રમાણપત્ર અથવા સરકારી ઓળખપત્ર.
- ઓળખના પુરાવા માટે: આધાર કાર્ડ, પાસપોર્ટ, ઈ-રેશન કાર્ડ અથવા પાન કાર્ડ સ્વીકારવામાં આવશે.
નોંધ: જો કોઈ અરજદાર નિર્ધારિત 12 દસ્તાવેજોમાંથી એક પણ રજૂ કરવામાં અસમર્થ રહે, તો જ ખાસ કિસ્સામાં નોટરી કે મેજિસ્ટ્રેટ સમક્ષનું સોગંદનામું સ્વીકારવામાં આવશે.
ટેસ્ટમાં 75% ગુણ ફરજિયાત અને કટોકટી વિગતોનો ઉમેરો
મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ સખત બનાવવા માટે ઓનલાઇન 'સેફ-ડ્રાઇવિંગ ટ્યુટોરીયલ એસેસમેન્ટ' નો પાસિંગ સ્કોર વર્તમાન 60 ટકાથી વધારીને 75 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે. આ સિવાય, હવેથી તમામ અરજદારોએ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવતી વખતે પોતાનું બ્લડ ગ્રુપ, મોબાઇલ નંબર અને કટોકટી સંપર્ક વિગતો આપવી અનિવાર્ય રહેશે, જેથી માર્ગ અકસ્માત સમયે તાત્કાલિક મદદ પહોંચાડી શકાય.
આધાર-આધારિત મફત સેવાઓ અને સમયબદ્ધ મંજૂરી
સરકારે નામ, સરનામું કે સંપર્ક નંબર બદલવા જેવી કેટલીક સેવાઓની ફી માફ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જોકે આ મફત સેવાઓ માત્ર આધાર-આધારિત ઓનલાઇન પ્રમાણીકરણ દ્વારા જ મળશે.
સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવા માટે નિયમો નક્કી કરાયા છે
- 1. સત્તાધિકારીઓએ વિગતોમાં ફેરફાર માટેની ઓનલાઇન અરજીઓનો 15 દિવસની અંદર મંજૂર અથવા નામંજૂર કરીને નિકાલ કરવાનો રહેશે.
- 2. જો અરજી ના મંજૂર થાય તો તેનું કારણ જણાવવું ફરજિયાત રહેશે.
- 3. જો સરનામું બદલવાની અરજી 30 દિવસ સુધી પેન્ડિંગ રહે, તો તેને સ્વચાલિત રીતે મંજૂર થયેલી ગણવામાં આવશે.
આ ઉપરાંત, તમામ સેવાઓ (જેવી કે DL રિન્યુઅલ, ડુપ્લિકેટ લાઇસન્સ અથવા નવી વાહન શ્રેણી ઉમેરવી) માટે એક જ સમાન અરજી ફોર્મનો ઉપયોગ થશે અને મોટાભાગની માહિતી 'સારથી' (Sarathi) પોર્ટલ પરથી સીધી ઇલેક્ટ્રોનિક રીતે મેળવી લેવાશે.
