દીયા મિર્ઝાના દિવાળી વીડિયો વિવાદ પર બોમ્બે હાઈકોર્ટની BMCને ફટકાર, કહ્યું- વીડિયો ફરીથી અપલોડ કરો

અદાલતે નેતાઓની હલકી કક્ષાની રાજકીય નિવેદનબાજી સામે ભારે નારાજગી વ્યક્ત કરતા યાદ અપાવ્યું હતું કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. આ સાથે જ હાઈકોર્ટે BMC ને દબાણમાં આવીને હટાવવામાં આવેલો જાગૃતિ વીડિયો સોશિયલ મીડિયા પર તાત્કાલિક અપલોડ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 03 Nov 2026 02:29 PM (IST)Updated: Tue, 03 Nov 2026 02:29 PM (IST)
dia-mirza-firecracker-video-bombay-high-court-bmc-order-restore
દિયા મિર્ઝા વિડીયો બોમ્બે હાઈકોર્ટ

Dia Mirza Video Bombay High Court: જાહેર રસ્તાઓ પર ફટાકડા ન ફોડવાની અપીલ કરતા બોલિવૂડ અભિનેત્રી દીયા મિર્ઝાના જાગૃતિ વીડિયો પર ચાલી રહેલા વિવાદ વચ્ચે બોમ્બે હાઈકોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ને સખત ફટકાર લગાવી છે. અદાલતે નેતાઓની હલકી કક્ષાની રાજકીય નિવેદનબાજી સામે ભારે નારાજગી વ્યક્ત કરતા યાદ અપાવ્યું હતું કે "ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે." આ સાથે જ હાઈકોર્ટે BMC ને દબાણમાં આવીને હટાવવામાં આવેલો જાગૃતિ વીડિયો સોશિયલ મીડિયા પર તાત્કાલિક અપલોડ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.

અદાલતના નિર્દેશ પર બનાવેલો વીડિયો દબાણમાં આવીને હટાવ્યો હતો

ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણી અને ન્યાયમૂર્તિ ડૉ. નીલા ગોખલેની ખંડપીઠ સમક્ષ આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટના પૂર્વ નિર્દેશોના પાલન અર્થે પર્યાવરણ અને વાયુ પ્રદૂષણ અંગે પ્રજામાં જાગૃતિ ફેલાવવા માટે BMC ના વિનંતી પર જ દીયા મિર્ઝાએ આ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેમણે નાગરિકોને જાહેર રસ્તાઓ પર ફટાકડા ન ફોડવા વિનંતી કરી હતી.

પરંતુ, કેટલાક ભાજપના નેતાઓ અને ભૂતપૂર્વ કોર્પોરેટરોએ અભિનેત્રી પર "હિંદુ વિરોધી" હોવાનો આક્ષેપ મૂકીને ભારે વિરોધ નોંધાવ્યો હતો. રાજકીય દબાણ સામે ઝૂકીને BMC એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ વીડિયો હટાવી લીધો હતો, જેને અદાલતે અત્યંત ગંભીરતાથી લીધો છે.

"દરેક વ્યક્તિ એક જ હવામાં શ્વાસ લે છે" - હાઈકોર્ટની આકરી ટિપ્પણી

સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ કુલકર્ણીએ રાજકારણીઓના વલણની કડક શબ્દોમાં નિંદા કરતા જણાવ્યું હતું કે, તેઓ આ પ્રકારની નિવેદનબાજીથી અત્યંત દુઃખી છે. નેતાઓએ અદાલતના મૂળ આદેશને સમજ્યા વિના જ નિવેદનો આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે જાગૃતિ લાવવાનો અધિકાર દરેક નાગરિકને છે અને અભિનેત્રીએ માત્ર કોર્ટના આદેશનું પાલન કર્યું હતું.

ન્યાયમૂર્તિ ડૉ. નીલા ગોખલેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ મુદ્દો સંપૂર્ણપણે વાયુ પ્રદૂષણ, પર્યાવરણ અને જાહેર આરોગ્ય સાથે જોડાયેલો છે. અદાલતે અત્યંત મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, "ભલે કોઈ પણ વ્યક્તિ કે ધર્મ હોય, દરેક નાગરિક એક જ હવામાં શ્વાસ લે છે." તેથી શુદ્ધ હવામાં શ્વાસ લેવાના માનવ અધિકારને કોઈ રાજકીય કે સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.

અદાલતે BMC ને કોઈપણ વિલંબ વિના આ જાગૃતિ વીડિયો પોતાના તમામ સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તાત્કાલિક અપલોડ કરવાનો આદેશ આપ્યો છે.