Bageswar Dham: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri) હાલ ખૂબ જ ચર્ચામાં છે. તેમની મુશ્કેલીઓ વધતી જાય છે. હવે સંત સમાજ પણ તેમનો વિરોધ કરી રહ્યો છે. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી(Sankracharya Avimukteswar Saraswathi)સિવાય યૂપીના પ્રયાગરાજના સંતોએ પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર નિશાનો સાધ્યો છે. સન્યાસિઓએ તેમને પાખંડી ગણાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીના હાલ નિર્મલ બાબા અને આસારામ બાપૂ જેવા થઇ શકે છે. આવા લોકો જાદૂ-ટોણાને પ્રોત્સાહન આપે છે, આ અયોગ્ય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સંત નથી.
આવા સંતો સનાતન ધર્મ માટે જોખમ
રિપોર્ટ્સ મુજબ પ્રયાગરાજના સંતોએ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી જેવા લોકો સનાતન ધર્મ માટે જોખમ છે. આવો લોકો પોતાની પૂજાને પ્રોત્સાહન આપે છે. જો કોઈ પાસે આવી શક્તિ હોય તો સમાજના હિત માટે તેનો ઉપયોગ કરવો જોઈએ ન કે પોતાના પ્રચાર માટે. આ એક પ્રકારે તેઓ ઈવેન્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી જેવા લોકો જનતાને મૂરખ બનાવી રહ્યા છે.
શંકરાચાર્યનો ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર
જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. શંકરાચાર્ય સ્વામી સરસ્વતીનું કહેવું છે કે જો ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે શક્તિ છે તો તેઓ જોશીમઠની અંદર તરફ ધસતી જતી જમીનને રોકી દે, હું તેને ચમત્કાર માનીશ. ચમત્કાર જો જનતા માટે કરવામાં આવે તો જય-જયકાર કરીશું.
કોણ છે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી?
15 જુલાઇ 1996માં મધ્યપ્રદેશના છત્તરપુરમાં જન્મેલા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. તેમનો પરિવાર કાચા મકાનમાં રહેતો હતો. તેમની માનું નામ સરોજ અને પિતાનું નામ રામકૃપાલ ગર્ગ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાળપણમાં તે હોંશિયાર હતાં. તેમનું પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી સ્કૂલમાં થયું હતું. તેમના પિતા પુરોહિત ગિરીની કમાણી પર પરિવારનું ગુજરાન ચાલતું હતું. તે વખતે ગામમાં જ રહેતાં ધીરેન્દ્ર ગર્ગના કાકા અને ગામલોકોએ પુરોહિત ગિરીનું કામ અંદરોઅંદર વહેંચી લીધું હતું. જેને લીધે તેમના પરિવાર પર આર્થિક સંકટ આવ્યું હતું. તેમની માતા સરોજ ભેંસનું દૂધ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતાં.
બાળપણથી જ ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોને પ્રભાવિત કરવામાં કુશળ હતાં. તે નાની ઉંમરે ગામના લોકોને કથા સંભળાવતા હતાં. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યા મુજબ, તેમણે 8-9 વર્ષની ઉંમરે જ બાગેશ્વર બાલાજીની સેવા શરૂ કરી દીધી હતી. જ્યારે તે 12-13 વર્ષના હતાં ત્યારે તેમને એવો અનુભવ થયો કે, તેમના પર બાગેશ્વર બાલાજીની વિશેષ કૃપા થઈ છે. વર્ષ 2009માં પહેલીવાર તેમણે ભાગવત કથા કરી હતી.