Dharmendra Pradhan Resign: NEET પેપરલીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP Protest)ના નેજા હેઠળ દિલ્હીના જંતર મંતર પર ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ આજ રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધુ હતુ. રાષ્ટ્રપતિ દ્વારા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
આ અંગે રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે, રાષ્ટ્રપિત દ્રોપદી મુર્મુએ વડાપ્રધાન મોદીના સૂચનના આધારે ભારતના બંધારણના આર્ટિકલ 75ના ક્લોઝ (2) અંતર્ગત તાત્કાલિક અસરથી કેન્દ્રિય કેબિનેટના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધુ છે.
આ સાથે જ વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ આદેશ આપ્યો છે કે, કેબિનેટ મંત્રી પ્રહલાદ જોશીને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોપવામાં આવે.
નવનિયુક્ત શિક્ષણ મંત્રીને પણ કોકરોચ જનતા પાર્ટીની ચીમકી
પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર-મંતર પર ઉગ્ર આંદોલનના પગલે ધર્મેન્દ્ર પ્રધાને આજ રોજ શિક્ષણ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. આ સાથે જ ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, તેમણે વિદ્યાર્થીઓના સુરક્ષિત ભવિષ્ય ખાતર રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીના જંતર-મંતર પર યુવાઓના વિરોધ પ્રદર્શનની આડમાં દેશ વિરોધી તત્વોને લાભ લેતા રોકવાની જરૂરિયાત જણાતા હું રાજીનામું આપું છુ.ધર્મેન્દ્ર પ્રધાને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પ્રોફાઈલ પરથી પણ શિક્ષણ મંત્રી હટાવી દીધુ છે.
ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદ પરથી રાજીનામું કેન્દ્ર સરકાર અને કોકરોચ જનતા પાર્ટી (CJP) વચ્ચે ત્રીજા તબક્કાની વાટાઘાટોની પહેલા જ આપી દીધુ હતુ. આ બેઠક પહેલા જ CJPના આંદોલનકારીઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર મક્કમ રહ્યા હતા.
પ્રહલાદ જોશીની શિક્ષણ મંત્રી તરીકે વરણી બાદ કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે ચેતવણીના સુરમાં જણાવ્યું કે, જે કોઈ કેન્દ્રીય શિક્ષણ મંત્રી બનશે, તેમણે વિદ્યાર્થીઓ અને યુવાઓના મુદ્દા પર ધ્યાન આપવું જ પડશે. જો તેઓ યુવાઓના મુદ્દા પર ધ્યાન નહીં આપે, તો તેઓ ફરીથી જંતર-મંતર પર પરત ફરશે અને સરકાર પાસેથી જવાબ માંગશે.
જણાવી દઈએ કે, પ્રહલાદ જોશીએ પ્રથમવાર 30 મે, 2019માં કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં હતા. તેઓ સંસદીય કાર્ય મંત્રી, કોલસા મંત્રી સહિત અનેક પોર્ટફોલિયો સંભાળી ચૂક્યા છે.
2024ની લોકસભા ચૂંટણી બાદ જૂન 2024માં પ્રહલાદ જોશીને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. પ્રહલાદ જોશી કર્ણાટકની ધારવાડ લોકસભા બેઠક પરથી સતત 5 વાર ચૂંટણી જીતી ચૂક્યા છે. જો કે 2024માં સૌથી ઓછા મતોની સરસાઈથી જીતવાના કારણે તેમને અસંતોષ વ્યક્ત કર્યો હતો.
