દેવાસના આ મંદિરમાં 5 કરોડની નોટો અને 2.5 કરોડના સોનાથી થયો મા મહાલક્ષ્મીનો અદ્ભુત શૃંગાર, 15 દેશોની કરન્સી પણ જોવા મળી

મધ્યપ્રદેશના દેવાસમાં આવેલા શ્રી યોગમાયા મહાલક્ષ્મી મંદિરમાં દિવાળી નિમિત્તે 5 કરોડ રૂપિયાની રોકડ, 2.5 કરોડના સુવર્ણ આભૂષણો અને 15 દેશોના ચલણથી ભવ્ય સજાવટ કરવામાં આવી છે. જાણો દર્શન અને અન્નકૂટની વિગતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 06 Nov 2026 11:27 PM (IST)Updated: Fri, 06 Nov 2026 11:27 PM (IST)
dewas-mahalaxmi-temple-dazzles-with-rupees-7-cr-diwali-decor

Dewas Mahalaxmi Temple: દિવાળીના પવિત્ર તહેવાર પર દેશભરના મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે, પરંતુ મધ્યપ્રદેશના દેવાસમાંથી શ્રદ્ધા અને અદ્ભુત વૈભવનો એક એવો નજારો સામે આવ્યો છે જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. દેવાસના શિવાજી નગર સ્થિત મોતી બંગલામાં આવેલા પ્રખ્યાત શ્રી યોગમાયા મહાલક્ષ્મી મંદિર ખાતે આ વખતે મા મહાલક્ષ્મીનો દરબાર કોઈ અલૌકિક સ્વર્ગ સમાન સજાવવામાં આવ્યો છે.

ધનતેરસના પાવન પર્વથી શરૂ થયેલા આ પાંચ દિવસીય દિવાળી મહોત્સવમાં માતાજીના શૃંગાર માટે કરોડો રૂપિયાના રોકડ નોટો અને સોના-ચાંદીના આભૂષણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

7.50 કરોડથી વધુના વૈભવથી સજાયું ધામ

આ વર્ષે મા મહાલક્ષ્મીના ધામને શણગારવા માટે ટ્રસ્ટ અને ભક્તો દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

5 કરોડની ભારતીય ચલણી નોટો: મંદિરના ગર્ભહાલ અને માતાજીની આસપાસ લગભગ 5 કરોડ રૂપિયાની ભારતીય ચલણી નોટોના હાર અને લડીઓ બનાવીને આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે.

2.5 કરોડના સુવર્ણ આભૂષણો: માતાજીને કિંમતી સોના અને ચાંદીના દાગીનાઓથી સુશોભિત કરવામાં આવ્યા છે, જેની કિંમત આશરે અઢી કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

15 દેશોની વિદેશી કરન્સી: આ સજાવટની સૌથી ખાસ વાત એ છે કે તેમાં માત્ર ભારતીય જ નહીં પરંતુ વિશ્વના 15 જુદા જુદા દેશોના ચલણ (Foreign Currency)નો પણ સમાવેશ થયો છે. આ વિદેશી નોટો મંદિરના શ્રદ્ધાળુઓ દ્વારા જ દર્શન અને સેવા અર્થે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

રાત્રિના સમયે જ્યારે મંદિર પરિસરમાં ખાસ કલરફુલ લાઈટિંગ ચાલુ થાય છે, ત્યારે નોટો અને સોનાની આ રોશની મંદિરની ભવ્યતામાં ચાર ચાંદ લગાવી દે છે.

દર્શન માટે ભક્તોનું કીડીયારું ઉભરાયું

આ અદ્ભુત અને ચમત્કારિક શૃંગારના દર્શન કરવા માટે માત્ર દેવાસ જ નહીં, પરંતુ આસપાસના જિલ્લાઓ અને દૂર-દૂરથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.

શ્રી યોગમાયા પારમાર્થિક ન્યાસના ટ્રસ્ટી વિમલ શર્માના જણાવ્યા અનુસાર- દર વર્ષે દિવાળી પર મા મહાલક્ષ્મીનો વિશેષ શૃંગાર કરવામાં આવે છે, પરંતુ આ વખતે ભક્તોના વિશેષ સહયોગથી 5 કરોડ રોકડા, અઢી કરોડના દાગીના અને 15 દેશોની કરન્સીથી આ ભવ્ય સાજ-સજ્જા કરવામાં આવી છે. 6 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી તમામ ભક્તો માટે વિશેષ દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અન્નકૂટ ભંડારો અને મહિલાઓ માટે કંકુ ભેટ

દિવાળી ઉત્સવ અંતર્ગત મંદિરમાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે-

10 નવેમ્બરે વિશાળ અન્નકૂટ ભંડારો: આ દિવસે મા મહાલક્ષ્મીને 56 ભોગ ધરાવીને મહાપ્રસાદી (ભંડારો)નું આયોજન કરાશે, જેમાં હજારો ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે.

સૌભાગ્યવતી બહેનોને સન્માન: ઉત્સવ દરમિયાન દર્શનાર્થે આવતી તમામ સૌભાગ્યવતી માતાઓ અને બહેનોને મંદિર ટ્રસ્ટ તરફથી કંકુ (કુમકમ) ભેટ આપીને આશીર્વાદ પાઠવવામાં આવશે.

હાલમાં આ અનૂઠો અને અબજોના વૈભવથી સજાયેલો દરબાર આખા મધ્યપ્રદેશમાં આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બન્યો છે.