Cyclone Arnab News: ચક્રવાતી તોફાન 'અર્નાબ' અને 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' ની તીવ્ર અસરોને કારણે સમગ્ર ઉત્તર ભારતનું હવામાન અચાનક પલટાઈ ગયું છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને પંજાબ જેવા રાજ્યોમાં સતત થઈ રહેલા વરસાદ અને ઠંડા પવનોના કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ (IMD) એ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીના અનેક વિસ્તારો માટે ગાજવીજ સાથે ભારે વરસાદનું 'રેડ એલર્ટ' જારી કર્યું છે.
દિલ્હીમાં 1951 પછીનો સૌથી ઠંડો દિવસ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારનો દિવસ ઓક્ટોબર મહિનાનો 1951 પછીનો એટલે કે છેલ્લા 75 વર્ષનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. મહત્તમ તાપમાન ગગડીને 20.7°C પર પહોંચી ગયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 10.3°C જેટલું ઓછું છે. આ ઉપરાંત, દિલ્હીમાં છેલ્લા ચાર વર્ષમાં ઓક્ટોબર મહિના દરમિયાન સૌથી વધુ 61.4 મિમી એક દિવસીય વરસાદ નોંધાયો છે. આ અગાઉ 9 ઓક્ટોબર 2022ના રોજ 74 મિમી વરસાદ નોંધાયો હતો.
ઉત્તર પ્રદેશનું હવામાન:
પૂર્વીય અને મધ્ય ઉત્તર પ્રદેશમાં ભારે પવનો સાથે સરેરાશ 7.3 મિમી વરસાદ થયો છે, જેનાથી મહત્તમ તાપમાનમાં 9°C સુધીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે શનિવાર માટે લખનૌ સહિત 20થી વધુ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપ્યું છે.
મધ્ય પ્રદેશનું હવામાન:
'અર્નાબ' તોફાનના કારણે મધ્ય પ્રદેશમાં દિવસના તાપમાનમાં 5°C થી 6°C નો કડાકો બોલ્યો છે. ભોપાલમાં 6.8°C નો ઘટાડો થયો છે, જ્યારે ખજુરાહો, રાજગઢ અને સીધીમાં 3 મિમી વરસાદ નોંધાયો છે.
બિહારનું હવામાન:
પટના સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં દિવસભર ઝાપટાં પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
પહાડોમાં હિમપાત અને ખેડૂતોની ચિંતા વધી
હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારો જેવા કે કિન્નોર, શિમલા અને લાહૌલ-સ્પીતિમાં હળવા હિમપાત માટેની પરિસ્થિતિઓ સર્જાઈ છે. બીજી તરફ પંજાબમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
અસમયે આવેલા આ વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરોમાં લહેરાતો ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેના કારણે કાપણી અટકી ગઈ છે. આ ઉપરાંત, બટાકાનું વાવેતર પણ હાલ પૂરતું મુલતવી રાખવું પડ્યું છે, જેથી ધરતીપુત્રોને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
