Delhi Mongolpuri Fire: દિલ્હીના મંગોલપુરીમાં જૂતાની ફેક્ટરીમાં ભીષણ આગ: 4 લોકોના દર્દનાક મોત, 2 ગંભીર રીતે દાઝ્યા

પોલીસ અને ફાયર વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર, શુક્રવારે રાત્રે આશરે 9:30 વાગ્યે મંગોલપુરી ઇન્ડસ્ટ્રિયલ એરિયા ફેઝ-1 સ્થિત B-293/294 નંબરની જૂતા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 31 Oct 2026 08:34 AM (IST)Updated: Sat, 31 Oct 2026 08:34 AM (IST)
delhi-mongolpuri-shoe-factory-fire-many-dead-many-injured
મંગોલપુરીમાં જૂતાની ફેક્ટરીમાં ભીષણ આગ

Delhi Mongolpuri Fire News: દિલ્હીના બહારી વિસ્તારમાં આવેલા મંગોલપુરી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં શુક્રવારે રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. અહીં સ્થિત એક જૂતાની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં 4 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાત્રે 9:30 વાગ્યે ફાટી નીકળી આગ

પોલીસ અને ફાયર વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર, શુક્રવારે રાત્રે આશરે 9:30 વાગ્યે મંગોલપુરી ઇન્ડસ્ટ્રિયલ એરિયા ફેઝ-1 સ્થિત B-293/294 નંબરની જૂતા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર ફેક્ટરીમાં કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. ફેક્ટરીમાં કામ કરી રહેલા મજૂરો બહાર નીકળે તે પહેલા જ આગે તેમને લપેટમાં લઈ લીધા હતા.

કલાકોની જહેમત બાદ 6 લોકોને બેભાન અવસ્થામાં બહાર કઢાયા

ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને ફેક્ટરીની અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની કામગીરી બાદ અંદરથી છ લોકોને અત્યંત ગંભીર અને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં 4 ને મૃત જાહેર કરાયા, 2 ની સારવાર ચાલુ

રેસ્ક્યુ કરાયેલા તમામ છ લોકોને તાત્કાલિક નજીકની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ ચાર લોકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય બે દાઝેલા લોકોની સારવાર હાલ ચાલુ છે.

હાલમાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. ફેક્ટરીમાં આગ કયા કારણોસર લાગી તે અંગે અને ફેક્ટરીમાં થયેલા અન્ય નુકસાન અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ દર્દનાક દુર્ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.