Delhi Congress Mega Rally: ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI) દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને 1 નવેમ્બર, 2026 ના રામલીલા મેદાન ખાતે યોજાનાર કોંગ્રેસ અને વિપક્ષ ગઠબંધન INDIA બ્લોકની મહારેલીને ભાઈબીજ (Bhai Dooj) પછી એટલે કે 10 નવેમ્બર બાદ યોજવા વિનંતી કરી છે.
વેપારીઓનો તર્ક છે કે દિવાળી અને ધનતેરસના પીક તહેવારોની સિઝનમાં રેલી યોજવાથી દિલ્હીનો આશરે 10,000 કરોડ રૂપિયાનો વેપાર-ધંધો પ્રભાવિત થઈ શકે છે. દિલ્હીમાં ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન સોનું-ચાંદી, વાસણો, ઇલેક્ટ્રોનિક્સ, કપડાં અને ઓટોમોબાઇલ સહિતના વિવિધ ક્ષેત્રોમાં આશરે 25,000 કરોડ રૂપિયાનો વેપાર થાય છે.
આગામી 1 નવેમ્બરથી જ લોકો ખરીદી શરૂ કરી દે છે, જે દિલ્હીના અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વેપારી સંગઠનોએ પત્રમાં નોંધ્યું છે કે, અગાઉ ઓક્ટોબર મહિનામાં સેન્ટ્રલ દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનો અને રસ્તાઓ બંધ રહેવાના કારણે વેપારીઓને 3,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે.
રામલીલા મેદાનના 5 કિમીના વિસ્તારમાં ચાંદની ચોક, સદર બજાર, ચાવડી બજાર, ભાગીરથ પેલેસ અને કરોલ બાગ જેવા 20 થી વધુ ઐતિહાસિક હોલસેલ અને રિટેલ બજારો આવેલા છે. આ રેલી દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન, બેરિકેડિંગ અને મેટ્રો સ્ટેશનો બંધ રહેવાના કારણે આ બજારોની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ જવાનો ડર વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
આ સિવાય નવી દિલ્હી અને જૂની દિલ્હી રેલવે સ્ટેશન નજીક હોવાના કારણે દરરોજ લાખો બહારનાવેપારીઓ અને ગ્રાહકો ખરીદી માટે દિલ્હી આવે છે. રેલીના કારણે રસ્તાઓ બંધ થવાથી અને ટ્રાફિક જામની સ્થિતિના લીધે બહારના ખરીદદારો દિલ્હી આવવાનું ટાળશે, જેની માઠી અસર તહેવારોની વેચાણ પર પડશે. આથી CTI એ વેપારીઓના હિતમાં આ મહારેલીની તારીખ બદલવા રાહુલ ગાંધીને ખાસ અપીલ કરી છે.
