iPhone 16 Diwali Gift: દિવાળીનો તહેવાર નજીક આવતાં જ દરેક કર્મચારીના મનમાં એક જ સવાલ દોડવા લાગે છે કે આ વર્ષે કંપની તરફથી શું ભેટ કે બોનસ મળશે? સામાન્ય રીતે કંપનીઓ બોનસ, મીઠાઈના ડબ્બા કે નાના-મોટા ઉપહાર આપીને તહેવારની ઉજવણી કરતી હોય છે. પરંતુ આ વર્ષે દિલ્હીની એક કંપનીએ પોતાના કર્મચારીઓને ગિફ્ટમાં આઈફોન-16 આપીને સોશિયલ મીડિયા પર ધમાકેદાર ચર્ચા જગાવી દીધી છે. આ કંપની હાલ ઈન્ટરનેટ પર ભારે લોકપ્રિય થઈ રહી છે.
દિવાળી ગિફ્ટમાં મળ્યો iPhone 16
મળતી માહિતી મુજબ, રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલી એક પ્રાઈવેટ કંપનીએ દિવાળીના અવસર પર પોતાના કર્મચારીઓને આશ્ચર્યચકિત કરી દીધા. કંપનીએ કર્મચારીઓને આશરે 70 હજાર રૂપિયાની કિંમતનો લેટેસ્ટ iPhone 16 ગિફ્ટ કર્યો છે. કર્મચારીઓને મળેલી આ શાનદાર ભેટની સોશિયલ મીડિયા પર જોરદાર પ્રશંસા થઈ રહી છે.
કર્મચારીઓની થઈ બલ્લે-બલ્લે
કંપનીના કર્મચારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. વાયરલ થઈ રહેલા વિડિયોમાં તમામ કર્મચારીઓના લેપટોપની બાજુમાં એક-એક નવો આઈફોન-16 રાખેલો સ્પષ્ટ જોઈ શકાય છે. આ ખુશીમાં મહિલા કર્મચારીઓ પોતાના હાથમાં આઈફોન-16 બતાવીને આનંદ વ્યક્ત કરતી નજરે પડે છે.
સોશિયલ મીડિયા યૂઝર્સની મજેદાર પ્રતિક્રિયાઓ
આ વિડિયો પર સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા ખૂબ જ રમુજી અને મજેદાર કોમેન્ટ્સ કરવામાં આવી રહી છે-
એક યૂઝરે મજાકમાં લખ્યું- શું આ કંપનીમાં હજુ કોઈ વેકેન્સી ખાલી છે? તો બીજા એક યૂઝરે લખ્યું- દિવાળી પર આવા વિડિયો જોઈને હવે સોશિયલ મીડિયા ચલાવવાનું મન નથી થતું, કારણ કે બીજાની ગિફ્ટ જોઈને પોતાની હાલત પર ઈર્ષ્યા થવા લાગે છે!
