Cyclone Arnab Weather Update: દેશમાં બદલાતા હવામાન અને ચક્રવાતી તોફાનને કારણે અનેક રાજ્યોમાં સ્થિતિ ગંભીર બની રહી છે. ચક્રવાત 'અર્નબ' (Cyclone Arnab) ની અસરોને કારણે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 17 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ સાથેના તોફાન અને કરા પડવાની ચેતવણી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ચક્રવાતની અસર આંધ્રપ્રદેશથી લઈને છેક રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સુધી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તોફાન દરમિયાન પવનની ગતિ 75 કિમી/કલાક સુધી પહોંચવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે.
આ 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ
ચક્રવાત 'અર્નબ'ના પ્રકોપને ધ્યાનમાં રાખીને દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને છત્તીસગઢમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
દિલ્હીનું હવામાન:
આજે દિલ્હીમાં વરસાદનું એલર્ટ છે અને રાજધાનીમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાનમાં પલટો આવવાથી તાપમાનમાં ૫ ડિગ્રી સેલ્સિયસ સુધીનો નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. પવનની ગતિ 30 થી 40 કિમી/કલાક રહી શકે છે, જેમાં મહત્તમ તાપમાન 30°C અને લઘુત્તમ તાપમાન 18°C આસપાસ રહેવાની ધારણા છે.
ઉત્તર પ્રદેશનું હવામાન:
યુપીના પ્રયાગરાજ, મેરઠ, અલીગઢ, મથુરા, આગ્રા, જાલૌન, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, દેવરિયા અને ઝાંસીમાં ભારે વરસાદની ચેતવણી છે. અહીં 75 કિમી/કલાક સુધીની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. લખનૌમાં મહત્તમ તાપમાન 31°C અને લઘુત્તમ તાપમાન 21°C રહેવાની સંભાવના છે.
બિહારનું હવામાન:
રાજ્યના કૈમૂર, ખગડિયા, બેગુસરાય, ગયા, સહારસા, ઔરંગાબાદ, દરભંગા અને જહાનાબાદમાં તેજ પવન સાથે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 65 કિમી/કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે પટનામાં મહત્તમ તાપમાન 31°C અને લઘુત્તમ તાપમાન 23°C રહેશે.
મધ્ય પ્રદેશનું હવામાન:
IMD દ્વારા ખંડવા, ઈન્દોર, બેતુલ, મંડલા, સિવની, છિંદવાડા, જબલપુર, ઉજ્જૈન અને વિદિશામાં મુશળધાર વરસાદનું એલર્ટ અપાયું છે. અહીં 35 થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભોપાલમાં મહત્તમ તાપમાન 28°C તથા લઘુત્તમ તાપમાન 20°C રહેવાની સંભાવના છે.
